શીખ ફોર જસ્ટિસ (SFJ)ના આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ ભારતમાં યોજાનારા ક્રિકેટ વર્લ્ડ કપને લઈને ધમકી આપી છે. તેમની તરફથી એક ઓડિયો જાહેર કરવામાં આવ્યો છે, જેમાં તેણે કહ્યું છે કે- ક્રિકેટ વર્લ્ડ કપ નહીં, પરંતુ આતંકવાદ વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થશે. ગુજરાતના અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચના દિવસે માત્ર ખાલિસ્તાની ઝંડાઓ જ જોવા મળશે. હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો બદલો લેવામાં આવશે.
પન્નુનો આ ઓડિયો તેના સમર્થકો અલગ અલગ આઈડી પરથી વાયરલ કરી રહ્યા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ઓડિયો પન્નુએ પોતે જાહેર કર્યો છે.
તો, મંગળવારે રાત્રે પંજાબના ગુરદાસપુરના બટાલામાં બીજેપી અધ્યક્ષ (પ્રમુખ) હરસિમરન સિંહ હીરા વાલિયાના ઘરની બહાર દિવાલ પર ખાલિસ્તાનના સમર્થનમાં નારા લખવામાં આવ્યા હતા. વાલિયાને ભૂતકાળમાં પણ જાનથી મારી નાખવાની ધમકીઓ મળી ચુકી છે.
ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 5 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે. 12 વર્ષ બાદ ભારતમાં 50 ઓવરનો ક્રિકેટ વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે. 5 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ક્રિકેટ વર્લ્ડ કપનો પ્રારંભ થશે. અહીં પહેલી મેચ ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની ટીમ વચ્ચે રમાશે જે ગત વર્લ્ડ કપની ફાઈનલ રમી હતી.