ગુજરાતી ગાયક કલાકર કિંજલ દવેને "ચાર ચાર બંગડીવાળી ગાડી" કેસમાં અમદાવાદ સિટી સિવિલ કોર્ટમાંથી મોટી રાહત મળી છે, સિવિલ કોર્ટમાં કિંજલ દવે આ કેસ જીતી ગઈ છે. કિંજલ દવેને "ચાર ચાર બંગડી વાળી ગાડી" ગીત ગાતા રોકવા માટે રેડ રીબોન એન્ટરટેઇનમેન્ટ પ્રા. લી. નામની કંપનીએ અમદાવાદ સિટી સિવિલ કોર્ટમાંની કોમર્શિયલ કોર્ટમાં કોપીરાઇટનો કેસ ફાઈલ કર્યો હતો. જે કેસ કિંજલ દવે સિવિલ કોર્ટમાં જીતી મેળવી છે. પરંતુ હજુ કિંજલ દવે જાહેરમાં 15 દિવસ સુધી આ ગીત ગાઈ શકશે નહીં.
કોપી રાઈટ કેસ
કિંજલ દવે "ચાર ચાર બંગડી વાળી ગાડી" ગીત ગાઈને પ્રસિદ્ધિ પામી હતી. જોકે, આ ગીત અંગે કોપીરાઈટનો કેસ કિંજલ દવે વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં રેડ રિબન એન્ટરટેઇનમેન્ટ પ્રા. લી. કંપનીએ આ ગીત પર દાવો કર્યો હતો. જેમાં આ ગીતના કોપી રાઈટના હક્કો કંપની પાસે સુરક્ષિત હોવાનું જણાવાયું હતું. તેથી કિંજલ દવે કે અન્ય કોઈ ગાયક આ ગીત ગાઈ ન શકે કે કોઈ ડિજિટલ પ્લેટફોર્મ પર મુકી ન શકે તેવો દાવો કરવામાં આવ્યો હતો. આ કેસમાં કંપનીએ "ચાર ચાર બંગડી વાળી ગાડી" ગીતના કોપીરાઈટ કાર્તિક પટેલ પાસેથી ખરીદેલા હોવાનું જણાવાયું હતું.
કોપી રાઈટ સાબિત ન થયો
અમદાવાદ સિટી સિવિલ કોર્ટમાં આ કેસ ચાલી રહ્યો હતો. જેમાં રેડ રિબન એન્ટરટેઇનમેન્ટ પ્રા. લી. દ્વારા પોતે કરેલ કોપી રાઈટનો દાવો સાબિત કરવામાં નિષ્ફળ ગઈ હતી. તેથી કોર્ટે કિંજલ દવે સામે કરવામાં આવેલા આ કોપીરાઈટનો કેસ ખર્ચ સાથે રદ બાતલ કરી દીધો. ટૂંકમાં રેડ રિબન એન્ટરટેઇનમેન્ટ પ્રા. લી. દ્વારા કિંજલ દવે વિરુદ્ધ કરવામાં આવેલો કેસ ખર્ચ સાથે કાઢી નાખવામાં આવ્યો છે. પોતે જ ગાયેલા "ચાર ચાર બંગડી વાળી ગાડી" ગીત મામલે કિંજલ દવેને રાહત મળી છે. પરંતુ આજે જાહેર કરાયેલા ચુકાદો 15 દિવસ સુધી અમલમાં નહીં આવે. કિંજલ દવે હજુ પણ ચાર ચાર બંગડી ગીત ગાઈ શકશે નહીં. અગાઉ અમદાવાદ સિટી સિવિલ કોર્ટે કિંજલ દવેને હુકમના અનાદર બદલ એક લાખનો દંડ કર્યો હતો.
રેડ રીબનની સ્થાપના 2008માં થઈ હતી
વર્ષ 2019માં રેડ રીબન એન્ટરટેનમેન્ટ દ્વારા અમદાવાદની સિવિલ કોર્ટમાં કિંજલ દવે, RDC મીડિયા અને સરસ્વતી સ્ટુડિયો સામે સિવિલ દાવો દાખલ કર્યો હતો. આ દાવો કોપીરાઇટ એક્ટ 1957ની કલમ 55 મુજબ દાખલ કરવામાં આવ્યો હતો. રેડ રીબનની સ્થાપના 2008માં થઈ હતી. કાર્તિક પટેલ મ્યુઝિક કમ્પોઝર અને ગુજરાતી વીડિયો બનાવનાર વ્યક્તિ છે. તેનો દાવો હતો કે, ચાર ચાર બંગડી વાળી ગાડી ગીત તેને બનાવ્યું છે. એક ગીત બનાવતા ખૂબ લાંબો સમય લાગે છે. નવેમ્બર 2015માં આ ગીત બન્યું હતું અને સપ્ટેમ્બર 2016માં તેને યુ ટ્યુબ ઉપર રિલીઝ કરવામાં આવ્યું હતું. બાદમાં કિંજલ દવેએ આ ગીત યુ ટ્યુબ ઉપર રિલીઝ કર્યું હતું. કિંજલ દવે આ ગીતની કોપી કરી હતી.
અરજદારે 1 કરોડ રૂપિયાની માગ કરી હતી
કિંજલ દવેને જ્યારે અરજદાર દ્વારા નોટિસ મોકલવામાં આવી ત્યારે તેનો અસ્પષ્ટ જવાબ અપાયો હતો. તેમ જ RDC મીડિયાએ યુટ્યુબ પરથી આ ગીત ઉતારવાની ના પાડી દીધી હતી. જાહેર મંચ ઉપરથી કિંજલ દવે આ ગીત ગાતી આવી છે. નોટિસના જવાબમાં RDC મીડિયાએ પણ રોયલ્ટી આપવા કહ્યું, પરંતુ કશું કર્યું નહીં. આથી અરજદારે કોર્ટમાં કેસ ફાઈલ કર્યો હતો. અરજદારે આ કેસમાં કિંજલ દવે સહિત મીડિયા કંપનીઓને આ ગીત સંબંધી તમામ પ્રવૃત્તિઓ અટકાવવા માગ કરી હતી. તેમજ આ કેસ ફાઈલ થઈ અત્યાર સુધી કરેલી કમાણી પર 18 ટકા વ્યાજ સાથે રકમ ચૂકવવા માગ કરી હતી. કિંજલ દવે 200 સ્ટેજ પરફોર્મન્સમાં આ ગીત ગાઈ ચૂકી છે. જેથી અરજદારે થયેલા નુકસાનના ભાગરૂપે 1 કરોડ રૂપિયાની માગ કરી હતી.