ટ્રાફિક નિયમન માટે જેમની સેવા લેવામાં આવે છે તે ટ્રાફિક વોર્ડન ઉઘરાણા જ કરે છે તેવી અગાઉ અનેક ફરિયાદો ઉઠી છે, ઉઘરાણાના વીડિયો પણ ફરતા થયા છે પરંતુ આ બદીને ડામવામાં પોલીસ અધિકારીઓ નિષ્ફળ નિવડ્યા છે જેથી આ પ્રવૃત્તિ જોરશોરથી ચાલી રહી છે, શુક્રવારે વધુ એક વીડિયો ફરતો થયો હતો જેમાં છ-છ ટ્રાફિક વોર્ડન એક પછી એક વાહનને ઊભા રાખી ઉઘરાણા કરતા હોય તેવા દ્દશ્યો તેમાં જોવા મળતા હતા.
ટ્રાફિક પોઇન્ટ પર ટ્રાફિક પોલીસની મદદ માટે ટ્રાફિક વોર્ડનની સેવા લેવામાં આવે છે, ટ્રાફિકના નિયમનો ભંગ કરનાર કોઇપણ વાહનચાલકને અટકાવવાની સત્તા ટ્રાફિક પોલીસને છે, ટ્રાફિક વોર્ડન નિયમભંગ કરનાર વાહન ચાલકને અટકાવી શકતો નથી, વોર્ડને માત્ર ટ્રાફિક નિયમન જ કરાવવાનું છે પરંતુ સ્થિતિ તદન વિપરિત છે, ટ્રાફિક પોલીસ વૃક્ષના છાંયડા નીચે બેસે છે અને વોર્ડન વાહનચાલકોને અટકાવી ધમકાવી ઉઘરાણા કરે છે, આ વાતથી શહેરીજનો વાકેફ છે અને પોલીસ અધિકારીઓ પાસે આવી અગાઉ અનેક ફરિયાદો પણ થઇ છે.