ખીજડીયા પક્ષી અભયારણ્યએ જામનગરથી 12 કિ.મી. દૂર જામનગર-રાજકોટ રાજ્ય ધોરીમાર્ગ ઉપર આવેલ પક્ષીપ્રેમીઓ માટે આકર્ષણ ઉભું કરતું રમણીય સ્થળ છે. 605 હેકટરમાં ફેલાયેલ આ જલપ્લાવિત અભયારણ્યમાં વર્ષ-2023મા થયેલ પક્ષી ગણતરી મુજબ 300થી પણ વધુ પ્રકારના પક્ષીઓ સહિત કુલ 1,25,638 જેટલા પક્ષીઓની સંખ્યા નોંધાયેલી છે તેમજ 3 ફેબ્રુઆરી 2022ના દિવસે આ અભ્યારણ્યને રામસર સાઇટનો દરજ્જો પ્રાપ્ત થતાં સમગ્ર ગુજરાતના ગૌરવમા વધારો થયો છે અને 27 સપ્ટેમ્બર 2023ના ભારત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા જામનગર જિલ્લાના ખીજડીયા ગામને સિલ્વર કેટેગરી અંતર્ગત બેસ્ટ ટુરીઝમ વિલેજ-2023 એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ખીજડીયા પક્ષી અભયારણ્ય ગુજરાતનું સૌથી મોટું પક્ષી અભયારણ્ય છે. અહી યાયાવર પક્ષીઓની જાતિઓમાં ઘણી વિવિધતા જોવા મળે છે.
વન્યજીવોના રક્ષણ માટે સરકાર દ્વારા વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ તેમની રક્ષા માટે સરકારે વિવિધ પ્રકારના કાયદા ઘડ્યા છે. વન્ય પ્રાણીઓનો શિકાર કરવા કે તેને પકડવા પર પ્રતિબંધ, અભયારણ્યમાં પરવાનગી વગર પ્રવેશવા પર તથા રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પશુઓને ચરાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અને આ ગુનાઓ માટે સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે. વન્યજીવોની સુરક્ષા માટે દેશમાં અભ્યારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રોની રચના કરવામાં આવી છે. તે પૈકી ગુજરાતમાં 23 અભ્યારણ્યો, 4 રાષ્ટ્રીય ઉદ્યાન અને 1 જૈવ આરક્ષિત ક્ષેત્ર આવેલ છે. જે અભ્યારણ્યો પૈકી 1 અભયારણ્ય જામનગર જિલ્લાનું ખીજડીયા પક્ષી અભયારણ્ય છે.