દેશમાં અત્યારે જેટલા પણ નાણાકીય સલાહકાર કામ કરી રહ્યા છે તેમાંથી ઓછામાં ઓછા 35%નો રેકોર્ડ માર્કેટ નિયામક સેબી પાસે ઉપલબ્ધ નથી. એટલે કે દર ત્રણ રોકાણ સલાહકારોમાંથી એકથી વધુ નકલી હોઈ શકે છે. તેઓએ સેબી પાસે રજિસ્ટ્રેશન કરાવ્યું નથી, જ્યારે કાયદા હેઠળ તેવું કરવું અનિવાર્ય છે.
બુધવારે એક કાર્યક્રમ દરમિયાન સેબીના ચેરમેન માધવી બૂચે કહ્યું હતું કે દેશમાં 35% રોકાણ સલાહકારો હજુ પણ રજિસ્ટર્ડ નથી. નિયામકની સત્તા મર્યાદિત છે કારણ કે રોકાણકારોને રિસર્ચના ઇનપુટ અને સલાહ આપનારા અનેક લોકોએ સ્વયંને રજિસ્ટર્ડ કરાવવાના મૂળભૂત નિયમોને નજરઅંદાજ કર્યા છે.
માર્કેટ નિયામકના પ્રમુખ બૂચની ટિપ્પણી ત્યારે આવી છે જ્યારે શેરમાર્કેટમાં રિટેલ રોકાણકારોની ભાગીદારીમાં અભૂતપૂર્વ ઉછાળો જોવા મળ્યો છે. ઇક્વિટી ટ્રેડિંગમાં પણ વ્યક્તિગત રોકાણકારોની સંખ્યા નોંધપાત્ર રીતે વધી છે. જેને કારણે ભારતીય શેરમાર્કેટ સતત ત્રીજા વર્ષે પણ માત્ર ઉભરતા બજારોમાં હરીફ દેશો ઉપરાંત એશિયાનાં પણ તમામ અન્ય દેશોની તુલનાએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.