રાજકોટ-અમદાવાદ સિક્સલેન પ્રોજેક્ટમાં રાજકોટના દંપતીએ અગાઉ વેચી નાખેલી જમીન સંપાદનનું રૂ.1.46 કરોડનું વળતર મેળવી લીધાની ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવ્યા બાદ ભીતરમાંથી એવી હકીકત પ્રકાશમાં આવી છે કે, 2004ની સાલમાં દંપતીએ રૂ.166 લેખે 1 વાર વેચેલી જમીનનું 2020માં સંપાદનમાં રૂ.12800 પ્રતિ વાર વળતર મળતા દાઢ ડળકી હતી અને સરકારને અંધારામાં રાખી વળતર લઇ કૌભાંડ આચર્યું હતું.
પીડીએમ કોલેજ પાસે રામનગર-8માં રહેતા કૌમુદીબેન વસંતરાય હિન્ડોચા અને તેમના પતિ જ્યોતિન ઘનશ્યામ નથવાણીએ રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુવાડવા સરવે નંબર 545 પૈકીની 1145 ચોરસ વાર જમીન કોલકાતાના પન્નાલાલ પીરચંદ કોચરેને રૂ.1.90 લાખમાં વેચી નાખી હતી અને 30-04-2004ના રોજ તેનો વેચાણ દસ્તાવેજ નં.2314 કોન્ટિનેન્ટલ ટ્રાન્સપોર્ટ એજન્સીના નામે બનાવી આપ્યો હતો. ત્યારબાદ રાજ્ય સરકારે રાજકોટ-અમદાવાદ હાઇવે સિક્સલેન બનાવવાની કામગીરી શરૂ કરી હતી ત્યારે કોલકાતાના પન્નાલાલ પીરચંદ કોચરે તેમની જમીનની નોંધ નમૂના-2માં કરી ન હોય જૂના માલિક કૌમુદીબેન વસંતરાય હિન્ડોચાના નામે જ જમીન હોવાનું રેકર્ડ પર હતું. જેના આધારે પ્રાંત કચેરીએ તેમની જમીન સંપાદન કરી રૂ.1,46,57,099 વળતર ચૂકવી 1145 ચોરસવાર જમીન સંપાદન કરી હતી.
આ અંગે કોલકાતાના પન્નાલાલ પીરચંદ કોચરને તેમની જમીનનું બારોબાર સંપાદન થઇ ગયાની અને તેમનું બારોબાર કૌમુદીબેન વસંતરાય હિન્ડોચા અને તેમના પતિ જ્યોતિન ઘનશ્યામ નથવાણીએ વળતર લઇ લીધાની જાણ થતા તા.30-08-2022ના પ્રાંત અધિકારી કચેરીમાં દસ્તાવેજી પુરાવા સાથે દાવો દાખલ કર્યો હતો અને તેની સુનાવણી થઇ જતા પ્રાંત કચેરીએ દંપતીને રૂ.1,46,57,099 પરત જમા કરાવવા આદેશ કર્યો હતો. બીજીબાજુ પન્નાલાલ કોચરે દાવો કર્યા બાદ દંપતીએ સિવિલ કોર્ટમાં દસ્તાવેજ રદ કરાવવા 69/2023થી દાવો દાખલ કર્યો છે. જેનો ચુકાદો હજુ બાકી છે.