કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસની ગુજરાત મુલાકાતે છે. સોમવારે બાવળા ખાતે એપીએમસીમાં યોજાયેલા ખેડૂત કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, કોંગ્રેસના કારણે 1964થી નર્મદા યોજના વિલંબમાં પડી હતી પરંતુ નરેન્દ્રભાઈના પ્રયાસથી નર્મદાનું પાણી ખૂણે ખૂણે પહોંચ્યું છે. કોંગ્રેસીઓએ નર્મદા યોજનાને ખોરંભે પાડવા ખૂબ પ્રયત્ન કર્યા છે અને ગુજરાતના ખેડૂતો તે જાણે છે. પરંતુ હવે ચિંતાનો કોઈ પ્રશ્ન નથી. નરેન્દ્ર ભાઈએ ખેડૂતોને છ હજાર રૂપિયા સીધા ખેડૂતોના ખાતામાં જમા કરાવ્યા છે અને કૃષિ પાક વીમાને લઈને તેમણે ખેડૂતોની ચિંતા સાવ ઓછી કરી છે.
આ સાથે તેમણે કાર્યક્રમમાં એવું પણ કહ્યું કે ગુજરાતના સારા દિવસો આવી ગયા છે, ખેડૂતો આ દિવાળીએ વધુ ઘી નાંખીને કંસાર બનાવે. મ્યુનિ.ની દક્ષિણ પશ્ચિમ ઝોનની ઓફિસનું લોકાર્પણ કરતા તેમણે કહ્યું કે, છેલ્લા 20 વર્ષમાં કોઇની હિંમત નથી થઇ કે અમદાવાદમાં તોફાનો કરે, શહેરે 20 વર્ષથી કરફ્યુ જોયો નથી હોવાનો દાવો કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે કર્યો છે. આગામી દિવસોમાં ગુજરાતના વિકાસની વણથંભી યોજના ચાલુ જ રહેવાની છે તેનો વિશ્વાસ છે.
અમિત શાહ મંગળવારે ગાંધીનગર શહેર અને જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ- ખાત મુહૂર્ત કરશે. કલોલમાં કેઆરઆઇસી કોલેજ કેમ્પસમાં હોસ્પિટલનું ખાતમુહૂર્ત, રૂપાલ વરદાયિની માતાજીના નવનિર્મિત સુવર્ણજડિત ગર્ભગૃહ દ્વાર ખુલ્લા મૂકશે. મહાનગરપાલિકાએ બનાવેલા અંડરપાસનું લોકાર્પણ કરશે.