BCCI વર્લ્ડ કપ જીત્યા વગર ભારત પરત આવેલી ટીમને બદલવાની યોજના બનાવી રહી છે. બોર્ડની યોજનામાં 2007નો વર્લ્ડ કપ જિતાડનાર મહેન્દ્રસિંહ ધોનીનો પણ રોલ છે. બોર્ડ T20માં ટીમને આક્રામક બનાવવા ધોનીને ફરીથી ટીમ સાથે જોડી શકે છે. બોર્ડ T20 વર્લ્ડ કપ 2022માં ધોનીને મેન્ટર તરીકે ટીમ સાથે મોકલી ચૂક્યા છે.
આ દાવો એક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, BCCI ઈંગ્લેન્ડની જેમ ફિયરલેસ ક્રિકેટ રમનાર ટીમ બનાવવા માગે છે. આમાં તેઓ ધોનીની એક્સપર્ટ સ્કિલ્સની મદદ લેવા વિચાર કરી રહ્યા છે અને જલદી આના પર નિર્ણય લેવામાં આવશે.
T20 અને વન-ડે જિતાડનાર ધોનીની મહત્ત્વની ભૂમિકા
રિપોર્ટ અનુસાર, ધોનીને BCCI મોટી જવાબદારી સોંપી શકે છે. તેમને લિમિટેડ ઓવર એટલે કે, T20 અને વન-ડે માટે કોચ અથવા ડાયરેક્ટર બનાવી શકે છે.
ટીમ ઈન્ડિયાએ 1983માં કપિલ દેવની કેપ્ટનશિપ હેઠળ પહેલી વખત વન-ડે વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યાર પછી ધોનીની કેપ્ટનશિપ હેઠળ ટીમે 2011માં વન-ડે વર્લ્ડ કપ જીત્યો. આ સિવાય પહેલો T20 વર્લ્ડ કપ પણ ધોનીની કેપ્ટનશિપ હેઠળ ભારતે જીત્યો. MSએ 15 ઓગસ્ટ 2020ના રોજ વન-ડે અને T20માંથી સંન્યાસ લીધો. તેમણે 30 સપ્ટેમ્બર 2014ના રોજ ઓસ્ટ્રેલિયામાં અંતિમ ટેસ્ટ રમી આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી.
BCCI ઈંગ્લેન્ડની તર્જ પર મર્યાદિત ઓવર અને ટેસ્ટ માટે અલગ-અલગ ટીમો બનાવવા પર વિચાર કરી રહી છે. એટલું જ નહીં આ ટીમો માટે અલગ કોચિંગ સ્ટાફની પણ નિમણૂક કરવામાં આવી શકે છે. આ મહિને યોજાનારી બેઠકમાં અલગ કોચ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.