વૈશ્વિક સ્તરે સતત વધી રહેલી અનિશ્ચિતત્તાના માહોલ વચ્ચે ઇક્વિટી માર્કેટમાં વોલેટાલિટીના કારણે રોકાણકારોનો ઉત્સાહ ઘટ્યો છે. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ સપ્ટેમ્બર મહિનામાં 30 ટકાથી વધુ ઘટીને રૂ. 14,091 કરોડ રહ્યું છે. એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (એમ્ફી) ના અહેવાલ અનુસાર ઓગસ્ટમાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રૂ. 20,245 કરોડનો પ્રવાહ જોવા મળ્યો હતો.
જોકે, નિરસ ટ્રેન્ડ વચ્ચે પણ SIPs (સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ) દ્વારા રોકાણ પ્રવાહ વધીને રૂ.16,042 કરોડની નવી સર્વોચ્ચ ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં કુલ SIPમાં રોકાણ રૂ. 90,304 કરોડ નોંધાયું છે, જે એવરેજ દર મહિને રૂ.15,050 કરોડનો મજબૂત રોકાણ દર્શાવે છે. મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝની AUM સપ્ટેમ્બરના અંતે ઘટી રૂ. 46.58 લાખ કરોડ હતી જે ઓગસ્ટના અંતે રૂ. 46.63 લાખ કરોડ હતી.
સપ્ટેમ્બર મહિનામાં, ઈક્વિટી બજારોમાં નિફ્ટીએ 20,200 પોઈન્ટ્સની સર્વોચ્ચ ઊંચી સપાટી પર પહોંચ્યા બાદ વેઇટ એન્ડ વોચની નીતિ અપનાવાઇ હતી. જોકે ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સે સ્થિતિસ્થાપકતા દર્શાવવાનું ચાલુ રાખ્યું હતું, વોલેટાલિટી છતાં ઇક્વિટી સેગમેન્ટમાં રૂ.14091 કરોડનો નોંધપાત્ર ચોખ્ખો પ્રવાહ નોંધાયો હતો. છેલ્લા 31 માસથી મ્યુચ્યુઅલ ફંડ સેગમેન્ટમાં પોઝિટીવ ટ્રેન્ડ જોવા મળ્યો છે. ઇક્વિટી સેગમેન્ટને સપ્ટેમ્બરમાં છ નવા ફંડ લોન્ચ દ્વારા સહાય કરવામાં આવી હતી જેણે રૂ. 2,503 કરોડ એકત્ર કર્યા હતા.