શહેરના ઉપલાકાંઠા વિસ્તારની ભગીરથ સોસાયટીમાં વીજકરંટ લાગવાથી યુવકનું મોત નીપજ્યું હતું. યુવકની અેક મહિના પૂર્વે જ સગાઇ થઇ હતી. સંત કબીર રોડ પરની ભગીરથ સોસાયટીમાં રહેતો અને ઘર નજીક જ ઇમિટેશનનું કામ કરતો ચિરાગ દિનેશભાઇ દેગામા (ઉ.વ.19) ઇમિટેશનનું કામ કરતો હતો ત્યારે મશીનમાંથી કરંટ લાગતા બેભાન થઇ ગયો હતો.
તેને તાકીદે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં બી. ડિવિઝન પોલીસ દોડી ગઇ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ચિરાગ બે ભાઇમાં મોટો હતો અને એક મહિના પૂર્વે જ તેની ઠેબચડા ગામની યુવતી સાથે સગાઇ થઇ હતી. સગાઇ બાદ જે પુત્રના લગ્નના સ્વપ્ન પરિવારજનો નિહાળતા હતા તે જ પુત્રના મરશિયા શરૂ થતાં ગમગીની છવાઇ ગઇ હતી.