ડોલરની સામે રૂપિયામાં ઘટાડાને કારણે હવાઇ મુસાફરી મોંઘી થઇ શકે છે. વાસ્તવમાં એરલાઇન્સે અડધાથી વધુ ખર્ચ ડૉલરમાં કરવો પડે છે. ડૉલર ખરીદવા માટે હવે વધુ રૂપિયાની ચૂકવણી કરવી પડી રહી છે. જેને કારણે છેલ્લા એક વર્ષમાં કેટલાક ખર્ચમાં 10% સુધીનો વધારો થયો છે. તેમાં લીઝ પર લેવામાં આવેલા પ્લેનનું ભાડું, મેઇન્ટેનન્સનો ખર્ચ, ઇન્સ્યોરન્સ જેવા ખર્ચ સામેલ છે.
એરલાઇન્સ અનુસાર જો રૂપિયામાં ધોવાણ નહીં અટકે તો ભાડું વધશે. શુક્રવારે રૂપિયો 10 પૈસા ઘટીને 85.96ના રેકોર્ડ નીચલા સ્તરે બંધ રહ્યો હતો. જોકે ઇન્ટ્રા-ડેમાં 86ના તળિયે પહોંચ્યો હતો. એરલાઇન્સના એક અધિકારી અનુસાર, રૂપિયો નબળો પડવાથી વર્ષ દરમિયાન લીઝિંગનો ખર્ચ 8% સુધી વધ્યો છે. તેની સાથે જ ઇન્સ્યોરન્સનો ખર્ચ 10% અને મેઇન્ટેનન્સ તેમજ અન્ય ખર્ચ 5% સુધી વધ્યા છે. તેનાથી ખોટ પણ વધી રહી છે.
રેટિંગ એજન્સી ઇકરા અનુસાર ચાલુ નાણાવર્ષ 2024-25માં એટલે કે આ વર્ષે માર્ચ સુધીમાં ભારતીય એવિએશન ઇન્ડસ્ટ્રીની ખોટ 2-3 હજાર કરોડ રહેવાનું અનુમાન છે. PWC અનુસાર, ભારતના કોમર્શિયલ ફ્લીટમાં અંદાજે 80% વિમાન લીઝ પર છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર આ સરેરાશ 53% છે. જો એર ઇન્ડિયાના જૂના વિમાનોને બાકાત કરીએ તો તમામ એરલાઇન્સના મહત્તમ વિમાન લીઝ પર છે. આ આંકડો 90-95% સુધી પહોંચી જાય છે.