Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

બેંગલુરુની એક મહિલાએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને પોતાના એક મિત્રની યુરોપ યાત્રા પર પ્રતિબંધ લગાવવાની માગ કરી છે. મહિલાનું કહેવું છે કે તેનો મિત્ર યુરોપમાં ઈચ્છા મૃત્યુ માટે જવા માગે છે, જે ભારતમાં ગેરકાયદે છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે વ્યક્તિ મૃત્યુ પામે એવી સ્થિતિમાં પણ નથી.

ડોક્ટરની સલાહ માટે સ્વિટ્ઝર્લેલેન્ડ જવાની યોજના બનાવી
ગત બુધવારે 49 વર્ષીય મહિલાએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું હતું કે તેના મિત્ર વર્ષ 2014થી ક્રોનિક ફેટિગ સિન્ડ્રોમથી પીડિત છે અને કથિત રીતે એક ડોક્ટર દ્વારા સુસાઈડ કરવા અંગેની સલાહ લેવા માટે સ્વિટ્ઝર્લેન્ડ જવાની યોજના બનાવી રહ્યો છે. મહિલાએ પોતે દર્દીના નજીકના સગા હોવાનું કહ્યું છે અને રજૂઆત કરી છે કે જો તેની યાત્રાને રોકવાની અપીલ પર અનુમતિ ન આપવામાં આવી તો માતા-પિતા અને અન્ય દોસ્તોને મોટું નુકસાન થશે.

કોરોનાના કારણે સારવાર ચાલુ રહી શકી નહોતી
અરજીમાં કહેવામાં આવ્યું છે કે દર્દી ફેકલ માઈક્રોબાયોટા ટ્રાન્સપ્લાન્ટેશન નામની સારવારમાંથી પસાર થઈ રહ્યો હતો. જોકે કોરોના મહામારીને કારણે તેની સારવાર ચાલુ રહી શકી નહોતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે 2014માં એનાં લક્ષણ શરૂ થઈ ગયા અને છેલ્લાં આઠ વર્ષમાં એની સ્થિતિ ખરાબ થતી ગઈ. એને કારણે તે ખૂબ નબળો થઈ ગયો અને તે થોડા જ પગલાં ચાલવા સક્ષમ હતો.

રોગીના માતા-પિતા વૃદ્ધ છે
મહિલા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ વ્યક્તિ તેનાં માતા-પિતાનો એકમાત્ર પુત્ર છે અને તેની એક જ બહેન છે. અરજીની સાથે જોડાયેલા રેકોર્ડથી ખ્યાલ આવે છે કે તે દર્દી અને તેના પરિવારના સભ્યોની સાથે તેની સ્વાસ્થ્યની સ્થિતિ જાણવા માટે સતત સંપર્કમાં છે. એમાં કથિત રીતે તે વ્યક્તિ દ્વારા અરજદારને મોકલવામાં આવેલો સંદેશો પણ સામેલ છે.

ડિગ્નિટાસના માધ્યથી કરવા માગે છે ઈચ્છામૃત્યુ
અરજીમાં કહેવામાં આવ્યું છે કે દર્દીને ભારત કે વિદેશમાં સારી સારવાર માટે જવામાં કોઈ જ અડચણ નથી, જોકે તે ઈચ્છામૃત્યુ માટેના પોતાના નિર્ણય પર અડગ છે. મહિલાએ અરજીમાં કહ્યું છે કે દર્દીએ બેલ્જિયમમાં સારવારની માગ માટે શેંગેન વિઝા મેળવ્યા હતા, જે 26 યુરોપીય દેશોમાં મુસાફરીની પરવાનગી આપે છે. આ સિવાય એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ઈચ્છામૃત્યુ સંબંધિત તેણે જૂનમાં સ્વિટ્ઝર્લેન્ડના જ્યૂરિચની મુસાફરી કરી હતી. અરજી મુજબ દર્દીએ જ્યૂરિચ સંગઠન ડિગ્નિટાસના માધ્યમથી ઈચ્છામૃત્યુમાંથી પસાર થવાનો નિર્ણય કર્યો છે, જે વિદેશી નાગરિકોને સહાયતા પ્રદાન કરે છે.

2018માં સુપ્રીમ કોર્ટે સંભળાવ્યો હતો ચુકાદો
ઉલ્લેખનીય છે કે વર્ષ 2018માં સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક નિર્ણય સંભળાવતાં કહ્યું હતું કે જો કોઈ વ્યક્તિ ખૂબ બીમાર છે અને તે બીમારીની કોઈ સારવાર જ નથી, તો તેને ઈચ્છામૃત્યુનો અધિકાર છે. આ બાબત તે વ્યક્તિ પર નિર્ભર કરે છે કે તેને ક્યારે લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવે. કોર્ટના જણાવ્યા અનુસાર લિવિંગ વિલ માટે વ્યક્તિના પરિવારની કે પછી કોઈપણ નજીકની વ્યક્તિ હાઈકોર્ટમાં અપીલ કરી શકે છે, જેની પર હાઈકોર્ટ ચુકાદો આપશે.