દક્ષિણ કોરિયામાં ભયાનક વિમાન દુર્ઘટનાના થોડા સમય બાદ કેનેડામાં આ પ્રકારની દુર્ઘટના થતાં થતાં રહી ગઈ છે. એર કેનેડાનું વિમાન હેલિફેક્સ એરપોર્ટ પર રનવે પરથી ઉતરી ગયું હતું. લેન્ડિંગ દરમિયાન પ્લેનમાં આગ લાગી હતી અને તેનું લેન્ડિંગ ગિયર તૂટી ગયું હતું. જો કે માહિતી પ્રમાણે આ દુર્ઘટનામાં કોઈને ઈજા થઈ હોવાના સમચાર નથી. થોડો સમય પહેલા જ દક્ષિણ કોરિયામાં લેન્ડિંગ દરમિયાન પ્લેન એરપોર્ટની વાડ સાથે અથડાયું હતું જે બાદ જોરદાર આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં મોટી સંખ્યામાં મુસાફરોના મોત થયા હતા.
બેંગકોકથી આવી રહેલું જેજુ એરનું વિમાન રવિવારે દક્ષિણ કોરિયાના મુઆન એરપોર્ટ પર ક્રેશ થયું હતું. ન્યૂઝ એજન્સી APના જણાવ્યા અનુસાર, પ્લેનમાં 181 લોકો સવાર હતા, જેમાં 175 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર હતા. અત્યાર સુધીમાં 179 મૃતદેહો મળી આવ્યા છે.
રેસ્ક્યુ ટીમે માહિતી આપી છે કે 2 લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા છે. બાકીના 3 મુસાફરોના મોતની આશંકા છે. મૃત્યુ પામેલાઓમાં 82 પુરુષો અને 83 મહિલાઓનો સમાવેશ થાય છે. આ સિવાય હજુ સુધી 11 મૃતદેહોની ઓળખ થઈ શકી નથી.