રાજકોટ શહેરમાં ભારે વરસાદને પગલે રસ્તા ખરાબ થયા છે. મનપાએ કરેલા સરવે મુજબ 12000 ચોરસ મીટર જેટલો ભાગ તૂટ્યો છે. એક ચોરસ મીટરનો એક ખાડો ગણતા પણ સરેરાશ 12000 જેટલા ખાડા થાય. મુખ્ય માર્ગો, શેરી મહોલ્લાઓમાંથી નીકળતા વાહનચાલકોને ભારે તકલીફ ભોગવવી પડી રહી છે. જોકે તહેવાર આવી જતા લોકો માટે રસ્તા સમથળ કરવા માટે મનપાએ કામગીરી તેજ બનાવી છે.
ચોમાસામાં ડામર પ્લાન્ટ શરૂ ન થાય તે માટે મનપાએ ખાડા બૂરવા માટે જેટ પેચર મશીન મગાવ્યું છે. મુખ્ય માર્ગો પર આ મશીન રોજના 250 ચોરસ મીટરની ક્ષમતાએ ખાડા બૂરી રહ્યું છે. ડામર પ્લાન્ટ શરૂ કરવાના હતા તે જ સમયે ફરી વરસાદી ઝાપટું આવ્યું તેથી બીજા ચાર દિવસ કામ મોડું થયું હતું. જોકે હવે ડામરના પ્લાન્ટ શરૂ થયા છે જેથી તાબડતોબ એજન્સીઓને આગળ ધરીને ખાડા બુરવાનું કામ ચાલુ કરાયું છે. ઈસ્ટ ઝોનમાં ગુરુવાર સવારથી જ ખાડા બુરવાનું ચાલુ થઈ ગયું છે. 15થી 20 દિવસમાં વિસ્તારના તમામ રોડ પર ડામર મઢી દેવાશે. આ જ રીતે વેસ્ટ અને સેન્ટ્રલ ઝોનમાં પણ કામગીરી હાથ ધરવામાં આવશે.