વર્ષ પહેલા લોન્ચ થયેલા ચેટજીપીટી નામના એઆઇ ચેટબૉટે વિશ્વભરમાં કામકાજની રીતમાં ક્રાંતિકારી પરિવર્તનની શરૂઆત કરી છે. માત્ર એક જ વર્ષમાં જનરેટિવ AI દરેક ઇન્ડસ્ટ્રી માટે એક જરૂરિયાત બની ચૂકી છે. લગભગ દરેક સેક્ટર જનરેટિવ AI મારફતે પોતાની કામ કરવાની રીતમાં બદલાવની આશા રાખે છે અને તેના માટે મોટા પાયે યોજના પણ બનાવાઇ રહી છે.
એડવર્ટાઇઝિંગ સેક્ટર પણ તેમાંથી બાકાત નથી. જાહેરાતના જગતમાં પણ હંમેશા નવી નવી ટેકનિકના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવે છે. જો કે જનરેટિવ એઆઇ મારફતે બનતી જાહેરાતોને કારણે ભવિષ્યમાં નવા પ્રકારના પડકારો અને ચિંતાઓમાં વધારો થઇ શકે છે. તેમાંથી કેટલીક ગ્રાહકો સાથે જોડાયેલી હશે તો કેટલીક નીતિ નિર્માતાઓ સાથે. ઇન્ડસ્ટ્રી સામે પણ કેટલાક પડકારો છે.
એડ ઇન્ડસ્ટ્રીના દૃષ્ટિકોણથી, જનરેટિવ AIનો ઉપયોગ એક ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે. તેની મારફતે ન માત્ર લક્ષિત અને આકર્ષત જાહેરાત બનાવી શકાય છે, પરંતુ નવું કન્ટેન્ટ તેમજ આઇડિયાઝ મારફતે ગ્રાહકોને જોડવામાં મદદ મળી શકે છે. રિયલ ટાઇમમાં પર્સનલાઇઝ્ડ જાહેરાત તૈયાર કરવા તેમજ કન્ઝ્યુમર એંગેજમેન્ટ વધારવામાં જનરેટિવ એઆઇ ખૂબ જ મદદરૂપ સાબિત થઇ શકે છે.