રાજકોટ જિલ્લામાં સરકારી જમીનમાં મોટા પાયે દબાણો થઇ ગયાની હકીકત ભૂતકાળના સરવેમાં બહાર આવ્યા બાદ જિલ્લા કલેક્ટર દ્વારા તમામ મામલતદારોને દબાણો દૂર કરવા સતત ઓપરેશન હાથ ધરવા સૂચના અપાઇ હતી. આમ છતાં અમુક મામલતદારોએ આ સૂચનાને ગંભીરતાથી ન લેતા હવે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ 14 મામલતદારને બોલાવીને તેમના વિસ્તારમાંથી દર પખવાડિયે દબાણો દૂર કરી તેનો રિપોર્ટ આપવા કડક શબ્દોમાં આદેશ કર્યો છે. તેમજ માધાપર અને કણકોટમાં કરોડો રૂપિયાની સરકારી જમીનમાં દબાણો થઇ ગયાની હકીકત ધ્યાનમાં આવતા ચોંકી ઉઠેલા કલેક્ટરે તે તાકીદે દૂર કરવા તાલુકા મામલતદારને આદેશ કર્યો છે.
રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, થોડા દિવસ પહેલા પ્રાંત અધિકારીઓ સાથેની બેઠકમાં સરકારી ખરાબાની જમીનોમાં દબાણો ન થાય તે માટે તેનું રેગ્યુલર નિરીક્ષણ કરવા અને દર 15 દિવસે ફેરણી કરવા સૂચના આપી હતી. ત્યારબાદ તમામ મામલતદારો સાથેની બેઠકમાં પણ રાજકોટ જિલ્લાની સરકારી જમીનમાં ખડકાયેલા ગેરકાયદે બાંધકામો દૂર કરવા તાકીદ કરાઇ છે. દરેક મામલતદારને દર 15 દિવસે એક દબાણ હટાવ ઓપરેશન હાથ ધરી રિપોર્ટ આપવા આદેશ કરાયો છે.