ભક્તોની ભીડ અને માતાના જયજયકારથી ગૂંજી ઊઠેલાં પરિસરો. શ્રીફળ-ચૂંદડી અને ફૂલ-પ્રસાદ સાથે આગળ ડગલું ભરતા ભક્તો. ગુજરાતનાં મુખ્ય અને પ્રસિદ્ધ માઈમંદિરોમાં અંદાજે 12 લાખ ભક્તોએ દર્શન કર્યાં હતાં. નવરાત્રીના પહેલા દિવસે ભક્તોનો ઉત્સાહ ‘ડુંગરવાળી ડોશી’ના પર્વતથી પણ ઊંચો હતો. પાવાગઢમાં રવિવારે સાંજ સુધીમાં અંદાજે 3 લાખ ભક્તો ઉમટ્યા હતા. અંબાજીમાં 2.16 લાખ ભાવિકો પહોંચ્યા હતા. ચોટીલા-બહુચરાજી અને માતાના મઢમાં પણ ભક્તો ઊમટ્યા હતા.
આ પાંચેય મંદિરમાં સવારથી સાંજ સુધી લગભગ 7 લાખ ભક્તોએ દર્શન કર્યાં હતાં અંબાજીના મોહનથાળમાં નકલી ઘીના ઉપયોગના વિવાદ વચ્ચે મોહનથાળનો પ્રસાદ ખરીદવા માટે શ્રદ્ધાળુઓ પડાપડી કરતાં જોવા મળ્યા હતા. આથી વધારાના 2 કાઉન્ટર ઊભા કરાયાં હતાં. 4 વાગ્યા પછી મંદિર બંઘ કરી સાફસફાઈ કરાઈ હતી. સાંજની આરતીનો ઘંટારવ થતાં જ મંદિર અંબાના જયઘોષથી ગૂંજી ઊઠ્યું હતું. સાયંકાળે માતાજીને મગસ, ફળ અને દૂધનો ભોગ ધરાવાયો હતો. ભાવિકભક્તો મોટી સંખ્યામાં આવ્યા હતા. જોકે, મંદિરમાં પ્રવેશ માટે માત્ર એક શક્તિ દ્વાર સિવાયના ગેટ બંધ કરી દેવાતાં ધક્કામુક્કીના દૃશ્યો જોવા મળ્યા હતા. ભૈરવ મંદિર તરફ જવાનો માર્ગ પણ બંધ કરી દેવાતાં યજ્ઞપૂજામાં બેઠેલા પરિવારોને ખાસ કરીને મહિલાઓને શૌચક્રિયા માટે મુશ્કેલી પડી હતી. પાંચ નંબરના ગેટથી સરકારી બાબુઓના પરિવારો અને વીઆઇપીઓનો વહેલી સવારથી જ ધસારો જોવા મળ્યો હતો.