લંડનમાં ખાલિસ્તાન સમર્થકોના વધતા વિરોધ વચ્ચે ઈન્ડિયન એમ્બેસીની ઈમારત પર બુધવારે વિશાળ તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. જ્યારે 22 માર્ચે 2 હજારથી વધુ ખાલિસ્તાની સમર્થકો ફરીથી ઈન્ડિયન એમ્બેસીની બિલ્ડિંગની સામે આવ્યા, ત્યારે હાઈ-કમિશનની ટીમે બિલ્ડિંગની છત પર જઈને છતની કિનારીઓને રાષ્ટ્રધ્વજથી ઢાંકી દીધી હતી.
બુધવારે પ્રદર્શનકારીઓએ મેટ્રે પોલીસ પર શાહી, પાણી અને બોટલો તેમજ ઈંડા ફેંક્યા હતા. જો કે, પોલીસે તેમને બિલ્ડિંગથી થોડે જ દુર રોકી દીધા હતા. ગઈ વખતના હુમલા બાદ એમ્બેસીની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. ઘણા પ્રદર્શનકારીઓ ખાલિસ્તાની ઝંડા લઈને આવ્યા હતા. આ ઘટના અંગે બ્રિટનના વિદેશ મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેઓ હાઈ કમિશનની સુરક્ષા માટે જરૂરી પગલાં લેશે.
બ્રિટિશ વિદેશ સચિવ જેમ્સ ક્લેવર્લીએ કહ્યું છે કે લંડનમાં ભારતીય હાઈ કમિશનના સ્ટાફ પર હુમલાને સહન કરવામાં આવશે નહીં. મેં હાઈ-કમિશનર વિક્રમ દોરાઈસ્વામી સાથે વાત કરી છે. પોલીસ તપાસ ચાલુ છે અને અમે લંડનમાં ભારતીય હાઈ કમિશન અને નવી દિલ્હીમાં ભારત સરકારના સંપર્કમાં છીએ.
બુધવારે હાઈ કમિશનની સામે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી
રવિવારે અહીં વિરોધ પ્રદર્શન દરમિયાન ખાલિસ્તાનીઓએ તોડફોડ કરી અને તિરંગાને નીચે ઉતારી દીધો હતો. ભારતે રવિવારની ઘટનાનો ઉગ્ર વિરોધ કર્યો હતો. બાદમાં બુધવારે લંડનની મેટ્રો પોલીસે અહીં કડક સુરક્ષા વ્યવસ્થા કરી હતી. માઉન્ટેડ પોલીસ પણ અહીં દેખાઈ હતી. દરેક જગ્યાએ બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું. રવિવારે લંડન ભારતીય હાઈ કમિશનની બહાર ખાલિસ્તાનીઓના પ્રદર્શન દરમિયાન સુરક્ષા હાજર ન હતી. આનાથી અલગતાવાદીઓના જુસ્સામાં વધારો થયો હતો.