અફઘાનિસ્તાનમાં તાલિબાન સંગઠનને સત્તામાં આવ્યાને ત્રણ વર્ષ થઈ ગયાં. સત્તામાં આવ્યા બાદ તાલિબાને મહિલા અને પુરુષો બંને પર ઘણાં નિયંત્રણો લાદી દીધાં છે. તાલિબાનના કડક નિયમોને લઈ સંયુક્ત રાષ્ટ્ર તરફથી જારી એક રિપોર્ટમાં માનવ અધિકારોના ઉલ્લંઘનને લઈ ચોંકાવનારા ખુલાસા થયા છે.
રિપોર્ટ મુજબ તાલિબાને મહિલાઓના શિક્ષણ, રોજગાર અને જાહેર જીવનમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂક્યો છે. ઘરથી 78 કિમી દૂર જવા માટે મહિલાઓએ પુરુષ ગાર્ડિયનને સાથે રાખવું ફરજિયાત છે.
તાલિબાન શાસને મહિલાઓની માલિકી ધરાવતા વ્યવસાયો પણ બંધ કરી દીધા છે. ફિલ્મોમાં કામ કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. બ્યુટિપાર્લર પણ બંધ કરી દેવાયા છે. મહિલાઓને જન્મ નિયંત્રણમાં ગર્ભનિરોધકના ઉપયોગ સામે પણ સખત મનાઈ ફરમાવી દીધી છે. મહિલાઓની સાથેસાથે તાલિબાને પુરુષો સામે પણ ઘણા નિયમો લાગુ કર્યા છે. તેઓ વેસ્ટર્ન સ્ટાઈલમાં દાઢી અને વાળ કપાવી શકશે નહીં. આમ કરવાથી સજાને પાત્ર ગણાશે. દાઢી ખાસ સાઈઝ અને ખાસ સ્ટાઈલમાં જ રાખવાની પરવાનગી છે.
ડિસેમ્બર 2023માં મોરલ પોલીસે એક જ રાતમાં હેરકટિંગની 20 દુકાનો બંધ કરી દીધી હતી. કારણ તેમણે ગ્રાહકના કહ્યા પ્રમાણે તેમની દાઢી ક્લીન શેવ અને વેસ્ટર્ન સ્ટાઈલમાં કરી હતી.