સાસરિયાઓ દ્વારા પુત્રવધૂને ત્રાસ આપવાના વધુ એક બનાવમાં રામાપીર ચોકડી પાસે શાસ્ત્રીનગર-7માં છેલ્લા દોઢ મહિનાથી માવતરે રહેતી અવનીબેન નામની પરિણીતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદમાં જામનગર રહેતા દિપેશ, સસરા રમેશભાઇ હીરાભાઇ ખાણધર, સાસુ ભાવનાબેન, નણંદ જાગૃતિ ઉર્ફે પૂનમ રિપલભાઇ હડિયર સામે ત્રાસ આપ્યાના આક્ષેપ કર્યા છે. બી.એ.બી.એડ સુધીનો અભ્યાસ કરનાર અવનીબેનની ફરિયાદ મુજબ, તેના લગ્ન આઠ વર્ષ પહેલા દીપેશ સાથે થયા છે. લગ્નજીવન દરમિયાન સંતાનમાં દીકરો-દીકરી છે.
લગ્ન બાદ છ મહિના જામનગર સાસરે રહ્યા બાદ પતિ વડોદરામાં નોકરી કરતા હોય સાથે રહેવા ગઇ હતી. ત્યાર બાદ પતિને અમદાવાદમાં નોકરી મળતા ત્યાં રહ્યાં હતા. તે સમયે કોરોનાની મહામારી શરૂ થતા સાસરે જામનગર આવ્યા હતા. સાસરે આવતાની સાથે જ સાસુ-સસરા, નણંદે સામાન્ય બાબતોએ શારીરિક માનસિક ત્રાસ આપવાનું ચાલુ કર્યું હતું. પતિને પરસ્ત્રી સાથે સંબંધ હોવાનું જાણવા મળતા આ મુદ્દે વાત કરતા પતિએ ઝઘડો કર્યો હતો અને તું કાંઇ કમાતી નથી, તારે કાંઇ વધારે ઘરમાં બોલવાનું નહિ. પતિની વાતનો વિરોધ કરતા તે હાથ પણ ઉપાડી લેતા હતા. સંતાનોને ખીજાઉ તો પતિ પોતાને ગાળો ભાંડતા અને પોતે ભણેલી હોવાથી નીચું દેખાડતા હતા અને ઘરમાં કામવાળી ગણતા હતા. ગત ઓગસ્ટ મહિનામાં છોકરાઓની બાબતે પતિએ માર મારી કાઢી મૂકી હતી.