રાજકોટમાં બંગાળી સમાજ દ્વારા આ વખતે 51મો દુર્ગાપૂજા મહોત્સવ યોજાશે. જેનો પ્રારંભ શુક્રવારે છઠ્ઠા નોરતેથી થશે. જ્યારે દશેરાએ વિસર્જન કરવામાં આવશે. દુર્ગાપૂજા મહોત્સવની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. દુર્ગાપૂજા મહોત્સવ ઉજવવા માટે બંગાળી સમાજમાં ખુશીનો માહોલ છે.
બંગાળી સમાજના પ્રમુખ દિલીપ સરકારના જણાવ્યાનુસાર મૂર્તિ કોલકાતાની માટીમાંથી બનાવવામાં આવી છે. તેમજ દુર્ગાપૂજા મહોત્સવ દરમિયાન સવારે-સાંજે વિશેષ આરતી, પૂજા અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. તેમજ બંગાળી નૃત્ય પણ રજૂ કરવામાં આવશે. રાજકોટમાં સંતકબીર રોડ, રામનાથપરા, જૂની ખડપીઠ સહિત કુલ 7 સ્થળોએ દુર્ગાપૂજા મહોત્સવ બંગાળી સમાજ અને બંગાળી કારીગરો દ્વારા યોજાશે. રેસકોર્સ ખાતે આયોજિત દુર્ગાપૂજા મહોત્સવના પ્રારંભ સમયે રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામીજી નિખેલેશ્વરાનંદજી મહારાજનું પ્રવચન રાત્રે 8.00 કલાકે યોજાશે. આ તકે મા દુર્ગાના આગમનને વધામણી કરવા પૂજા વિધિ રાખવામાં આવેલ છે. જેને બોધન આગમની અધિવાસ કહેવાય છે.