વૈશ્વિક સ્તરે સ્લોડાઉનની સ્થિતી છે પરંતુ ભારતીય અર્થતંત્ર મજબૂત રહ્યું છે જેની પાછળનું મુખ્ય કારણ રૂરલ ઇકોનોમિ ગ્રોથ સુધારા તરફી છે. મજબૂત માગ-મેન્યૂફેક્ચરિંગ સેક્ટરમાં ઉત્કૃષ્ઠ દેખાવ, એગ્રી સેક્ટરમાં પોઝિટીવ ગ્રોથ, એફએમસીજી-સર્વિસ ઇન્ડસ્ટ્રીઝના ગ્રોથથી કોમર્શિયલ વાહનોનો ગ્રોથ આ વર્ષે પણ ડબલ ડિજિટમાં રહેશે તેવો નિર્દેશ તાતા મોટર્સના ડાયરેક્ટર ગિરીશ વાઘે દર્શાવ્યો છે.
વધુમાં તેઓએ ઉમેર્યું કે હાલના તબક્કે વ્યાજદર વધારાની મોટી અસર પડશે નહીં, બીજી તરફ ઇંધણની કિંમતો સ્થિર થવા લાગી છે. કોવિડ બાદ તમામ સેક્ટરમાં મજબૂત દેખાવ જોવા મળી રહ્યો છે જેના કારણે કંપની ગ્રાહકોને આકર્ષવા માટે અત્યાધુનિક નવા મોડલ રજૂ કરી રહી છે.
પર્યાવરણને બચાવવા માટે ઓટો ઇન્ડસ્ટ્રીઝ અન્ય વૈકલ્પિક ઇંધણ તરફ ડાયવર્ટ થઇ રહી છે. સૌથી ઝડપી બદલાવ કોર્મશિયલ વાહનોમાં જોવા મળી રહ્યો છે. દેશભરમાં અત્યારે કુલ વેચાણ થઇ રહેલા કોર્મશિયલ વાહનોમાં 75 ટકા હિસ્સો સીએનજીનો રહ્યો છે. આગામી એકાદ દાયકામાં આ ટ્રેન્ડ પણ બદલાઇ ઇલેક્ટ્રિફિકેશન તરફ ડાયવર્ટ થશે.
તાતા મોટર્સે રોકાણ પ્લાન વિશે જણાવ્યું કે કંપની વાર્ષિક ધોરણે સરેરાશ આરએન્ડડી, પ્રોડક્ટ રજૂ કરવા અને મેન્યુફેક્ચરિંગ સેગમેન્ટમાં સરેરાશ 2000-2200 કરોડનું રોકાણ કરી રહી છે. કોરોના મહામારી બાદ છેલ્લા એક વર્ષથી ઝડપથી વધી રહેલી લોજિસ્ટીક્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રના ગ્રોથને કારણે કોર્મશિયલ વાહનોના વેચાણમાં ઝડપી વૃદ્ધિ જોવા મળશે. કૃષિ, સિમેન્ટ, લોખંડ અને સ્ટીલ, કન્ટેનર, વાહન કેરિયર, પેટ્રોલિયમ, કેમિકલ, પાણીના ટેન્કર, એલપીજી, એફએમસીજી, વ્હાઇટ ગુડ્ઝ, નાશવંત, બાંધકામ, ખાણકામ વગેરે સેગમેન્ટમાં વાહનોની માગ ઝડપી વધી રહી છે.