રાજકોટ મનપાની સોલીડ વેસ્ટ શાખા દ્વારા જુદા જુદા વિસ્તારમાં જાહેરમાં ગંદકી કરતાં અને કચરો ફેલાવતા 43 વેપારીને દંડ કરીને 6.5 કિલો ઝબલા જપ્ત કરાયા હતા. 108 ન્યુસન્સ પોઇન્ટની સફાઇ કરીને 26.5 કિલો કચરાનો નિકાલ કરાયો હતો. જેમાં વોર્ડ નં.2, 3, 7, 13, 14 તથા 17માં કુલ-17 નાગરિકો જાહેરમાં ન્યુસન્સ કરતા તેમની સામે જરૂરી કાર્યવાહી કરી 2 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયું હતું. પશ્ચિમ ઝોનના વોર્ડ નં.1, 8, 9, 10, 11 તથા 12માં 24 નાગરિકો જાહેરમાં ન્યુસન્સ કરતા પોણા બે કિલો ઝબલા જપ્ત કરાયા હતા. તો વોર્ડ નં.4, 5, 6, 15, 16 તથા 18માં પોણા બે કિલો ઝબલા જપ્ત કરાયા હતા. જ્યારે જુદા-જુદા વિસ્તારમાંથી 26 ટન કરતા વધારે કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.
રાજકોટ જિલ્લા કલેકટર કચેરીમાં આજે આરઆઈસી (રેવન્યુ ઈન્સ્પેકશન કમિટી) ગાંધીનગરના અધિકારીની ટીમે ત્રાટકી રેન્ડમલી તપાસ કરી હતી. રેવન્યુ ઈન્સ્પેકશન કમિટીના પાંચ ઉચ્ચ અધિકારીઓએ સવારથી કલેકટર કચેરીમાં પડાવ નાંખી પ્રથમ મધ્યાહન ભોજન યોજના શાખા દફતરની કામગીરી અને તેના અનાજ ફાળવણી સહિતની બાબતોની તપાસ શરૂ કરી હતી. રેવન્યુ ઈન્સ્પેકશન કમિટીના અધિકારીઓની આ ટીમ દ્વારા કલેકટર કચેરીમાં બિનખેતી, અપીલના કેસો, હકકપત્રક નોંધો, રેવન્યુ કામગીરી સહિતની બાબતોની રેન્ડમલી તપાસ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. રેવન્યુ ઈન્સ્પેકશન કમિટીની તપાસના પગલે કલેકટર કચેરીનો રેવન્યુ સ્ટાફ સતર્ક બની ગયો હતો.