વર્લ્ડ બેંકના પ્રમુખ અજય બંગાએ આજે (24 ઓક્ટોબર) કહ્યું હતું કે ઇઝરાયલ-હમાસ યુદ્ધ વિશ્વ (વૈશ્વિક) અર્થતંત્ર અને એના વિકાસ માટે ગંભીર ફટકો સાબિત થઈ શકે છે. સાઉદી અરેબિયામાં એક ઇન્વેસ્ટર- કોન્ફરન્સને સંબોધતાં તેમણે કહ્યું હતું કે વિશ્વ એક ખૂબ જ ખતરનાક મોરચે ઊભું છે.
ભૌગોલિક રાજકીય તણાવ એ વિશ્વની અર્થવ્યવસ્થા માટે સૌથી મોટો ખતરો
તેમણે કહ્યું હતું કે દુનિયામાં ઘણુંબધું ચાલી રહ્યું છે અને તાજેતરમાં જ ઇઝરાયલ અને ગાઝાને કારણે જિયોપોલિટિક્સ પણ પ્રભાવિત થઈ છે. દિવસના અંતે જ્યારે તમે આ બધું એકસાથે મૂકશો તો મને લાગે છે કે એની આર્થિક વૃદ્ધિ પર ગંભીર અસર પડશે.
અજય બંગાએ વધુમાં જણાવ્યું હતું કે ભૌગોલિક રાજકીય તણાવ વિશ્વની અર્થવ્યવસ્થા માટે સૌથી મોટો ખતરો છે. આવી બાબતો ઝડપથી આર્થિક જોખમો વધારે છે અને એની અવગણના ન કરવી જોઈએ.