ઓક્ટોબરમાં ડબલ ડિજિટના ગ્રોથ બાદ, નવેમ્બરમાં દેશમાંથી નિકાસ 4.85% ઘટી $32.11 અબજ નોંધાઇ છે, જ્યારે સોનાની આયાતમાં રેકોર્ડ વધારાને કારણે વેપાર ખાધ પણ $37.84 અબજના સર્વાધિક સ્તરે પહોંચી છે. વાણિજ્ય મંત્રાલયના ડેટા અનુસાર આયાત પણ નવેમ્બરમાં 27% વધી રેકોર્ડ $69.95 અબજ થઇ છે, જેનું કારણ વેજીટેબલ ઑઇલ, ફર્ટિલાઇઝર અને ચાંદીની રેકોર્ડ આયાત છે. નવેમ્બર દરમિયાન સોનાની આયાત પણ $14.8 અબજના સર્વાધિક સ્તરે નોંધાઇ છે, જે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન $3.5 અબજ રહી હતી.
ચાલુ નાણાવર્ષના એપ્રિલ-નવેમ્બર દરમિયાન કુલ નિકાસ 2.17%ની વૃદ્ધિ સાથે $284.31 અબજ રહી છે. જ્યારે આયાત પણ 8.35% વધીને $486.73 અબજ નોંધાઇ છે. ચાલુ નાણાવર્ષના એપ્રિલ-નવેમ્બર દરમિયાન વેપાર ખાધ વધીને $202.42 અબજ નોંધાઇ છે, જે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન $170.98 અબજ હતી.
વાણિજ્ય સચિવ સુનિલ બર્થવાલે જણાવ્યું હતું કે ઓઇલની કિંમતમાં વધઘટને કારણે નિકાસ પર અસર પડી રહી છે. ગત મહિને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની શિપમેન્ટ 50% ઘટી $3.71 અબજ નોંધાઇ છે. ચાલુ નાણાવર્ષના પ્રથમ આઠ મહિના દરમિયાન, આ નિકાસ 19% ઘટી $44.6 અબજ રહી છે. ઊંચી વેપાર ખાધ અને આયાત અંગે સચિવે જણાવ્યું કે દેશ સતત વિકાસ તરફ આગેકૂચ કરી રહ્યો છે ત્યારે આ અંગે કોઇ ચિંતા કરવાની જરૂર જણાઇ રહી નથી. એટલે જ, આપણી આયાત પણ વધુ રહેશે. આપણી નિકાસ અને વિદેશી રોકાણ પણ વધી રહી છે ત્યારે તેનાથી પણ આયાતને ફાઇનાન્સ કરવામાં મદદ મળી રહેશે.