શહેરમાં દશેરાની સાંજે પોપટપરાના નાળા પાસેથી કાર સહિત દંપતીનું ચાર શખ્સે અપહરણ કર્યું હતું. જે બનાવની જાણ થતા સવા કલાકમાં જ પોલીસે અપહૃત દંપતીને મુક્ત કરાવી ચાર શખ્સને ઝડપી લીધા છે. પ્રાથમિક તપાસમાં 35 લાખની ઉઘરાણી મુદ્દે દંપતીનું અપહરણ થયાનું જાણવા મળ્યું છે.
બનાવ અંગે સંત કબીર રોડ, નંદુબાગ પાસે રહેતા કલ્પનાબેન જયેશ ગાંગાણી નામની પરિણીતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, જયેશ સાથે તેના બીજા લગ્ન છે. પ્રથમ લગ્નથી બે સંતાન છે. જ્યારે જયેશને સંતાનમાં એક દીકરી છે. દીકરી અંકિતાએ પાંચ મહિના પહેલા રેલનગરમાં રહેતા ગૌરવસિંહ અજયસિંહ જાડેજા સાથે પ્રેમલગ્ન કર્યા છે. દીકરી-જમાઇને સામાન ફેરવવાનો હોય મંગળવારે સવારે પોતે રેલનગર ગઇ હતી.
બાદમાં સામાન વધુ ફેરવવાનો હોય દીકરી અંકિતા અને જમાઇ ગૌરવસિંહ તેમનું ટૂ વ્હિલ લઇને રેલનગરથી સંત કબીર રોડ અમારા ઘરે આવ્યા હતા. બાદમાં જમાઇ અને દીકરી અમારી ઇકો કાર લઇને રેલનગર જવા નીકળ્યા હતા. ત્યારે સાંજે સાડા પાંચ વાગ્યાના અરસામાં દીકરીએ ફોન કરી પોપટપરાના નાળા પાસે અજાણ્યા ચારેક શખ્સોએ કારને આંતરી આપણી જ કારમાં અમને અપહરણ કરી લઇ જતા હોવાની તેમજ ગૌરવના પૈસાની લેતીદેતીનો મામલો હોવાની વાત કરી હતી. દીકરીના અપહરણના ફોનથી ગભરાઇને સાંજે 6:50ના સમયે પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરી હતી.