ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (FPIs) એ ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં ભારતીય શેરબજારમાંથી 11,820 કરોડ રૂપિયા (1.3 બિલિયન ડોલર) ઉપાડી લીધા. નિષ્ણાતોના મતે, આ ઉપાડનું મુખ્ય કારણ રૂપિયામાં તીવ્ર ઘટાડો હતો.
વિદેશી રોકાણકારોએ નવેમ્બરમાં ₹3,765 કરોડનો ઉપાડ કર્યો હતો. 2025માં અત્યાર સુધીમાં કુલ 1.55 લાખ કરોડ રૂપિયા ($17.7 બિલિયન) ઉપાડી લીધા છે. જોકે, DIIs એ પહેલા અઠવાડિયામાં ₹19,783 કરોડની ખરીદી કરી. આનાથી FPI ઉપાડની બજાર પરની અસર મર્યાદિત રહી.
રૂપિયામાં ઘટાડાને કારણે ઉપાડ
જિયોજિત ઇન્વેસ્ટમેન્ટ્સના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વિજયકુમારે જણાવ્યું હતું કે, રૂપિયામાં 5%ના ઘટાડાએ FPIsને ઉપાડ કરવા મજબૂર કર્યા. જ્યારે એન્જલ વનના સિનિયર ફંડામેન્ટલ એનાલિસ્ટ વકાર જાવેદ ખાને કહ્યું કે, વર્ષના અંતે પોર્ટફોલિયો રીપોઝિશનિંગ અને ભારત-યુએસ ટ્રેડ ડીલમાં વિલંબે ગ્લોબલ સેન્ટિમેંટ ખરાબ કર્યા છે.
આ વર્ષે રૂપિયો 5% સુધી ઘટ્યો
આ પહેલાં, 4 ડિસેમ્બરે રૂપિયો ડૉલર સામે અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે પહોંચી ગયો હતો. PTI અનુસાર, આજે ડૉલર સામે રૂપિયો 28 પૈસા ઘટીને 90.43ના સ્તરે આવી ગયો હતો. રૂપિયો 2025 માં અત્યાર સુધીમાં લગભગ 5% નબળો પડ્યો છે. 1 જાન્યુઆરીએ રૂપિયો ડૉલર સામે 85.70ના સ્તરે હતો.
ઓક્ટોબરમાં FPIsએ 14,610 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું
ઓક્ટોબરમાં FPIs એ ભારતીય ઇક્વિટીમાં 14,610 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું, જે જુલાઈથી સપ્ટેમ્બર સુધી ચાલેલા ત્રણ મહિનાના વેચાણના સિલસિલાને તોડનારું હતું. તે દરમિયાન, જુલાઈમાં 17,700 કરોડ, ઓગસ્ટમાં 34,990 કરોડ અને સપ્ટેમ્બરમાં 23,885 કરોડ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા.