લોકસભા ચૂંટણીમાં NDAની જીત બાદ વિદેશ મંત્રી એસ જયશંકરે પદભાર સંભાળતાની સાથે જ ભારતે ચીન સામે મોટું પગલું ભર્યું છે. ધ ડિપ્લોમેટના રિપોર્ટ અનુસાર, ચીનનો સામનો કરવા માટે ભારત હવે તિબેટના 30થી વધુ સ્થળોના નામ બદલવા જઈ રહ્યું છે.
ભારતીય સેના ટૂંક સમયમાં સ્થાનોની યાદી સાથે ચીન સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)નો નવો નકશો જાહેર કરશે. હકીકતમાં ચીને એપ્રિલમાં અરુણાચલ પ્રદેશમાં 30 સ્થળોના નામ બદલી નાખ્યા હતા. ચીનની સરકાર આ વિસ્તારોને પોતાનો વિસ્તાર હોવાનો દાવો કરે છે. ડ્રેગનની આ કાર્યવાહીનો જવાબ આપવા માટે ભારત સરકારે આ નિર્ણય લીધો છે.
તિબેટના વિસ્તારોના નામ બદલવા માટે ઘણું સંશોધન કરવામાં આવ્યું હતું. આ જગ્યાઓના નવા નામ ભારતીય ભાષામાં જૂના નામોના આધારે રાખવામાં આવ્યા છે. ભારતીય સેનાના ઇન્ફોર્મેશન વોરફેર વિભાગને વિસ્તારોના નામ બદલવાની જવાબદારી સોંપવામાં આવી હતી. આ એ જ વિભાગ છે જે ઊંડા સંશોધન પછી ચીન દ્વારા રાખવામાં આવેલા અરુણાચલ પ્રદેશના વિસ્તારોના નવા નામોને પણ નકારી કાઢે છે.