કેરળમાં ભાજપ એક અલગ રણનીતિ સાથે પાયો મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. હિન્દુ મતદારોની સાથે હવે ખ્રિસ્તી ધર્મના લોકોને પણ આકર્ષવાની તૈયારી શરૂ કરાઈ છે. ભાજપ અહીં ખ્રિસ્તી સંગઠનો વચ્ચે ઈસ્લામિક વિચાર વિરુદ્ધ ઊઠી રહેલા રોષનો લાભ ખાટવા માગે છે.
તાજેતરમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા કોટ્ટયમ જિલ્લામાં જિલ્લા હેડક્વાર્ટરનું ઉદઘાટન કરવા પહોંચ્યા હતા. દરમિયાન કન્નાયા કેથોલિક આર્કબિશપ મેથ્યુ મુલક્કટ અને ચંગનસ્સેરીના મેટ્રોપોલિટન આર્કબિશપ માર જોસેફ પેરુમથોટ્ટમ સાથે મુલાકાત કરી હતી. આ બંને કેરળના ટોચના કેથોલિક પાદરી મનાય છે.
રાજકીય નિષ્ણાતો માને છે કે આ બેઠકથી એક સામાજિક-રાજકીય સંગઠન ઊભું કરાશે. આ સંગઠનની મદદથી ચર્ચ અને ભાજપ વચ્ચેના અંતરને દૂર કરવા પ્રયાસ કરાશે. ભાજપના નેતાઓનું માનવું છે કે કેરળમાં લવ જેહાદ મુદ્દે તેની અને ખ્રિસ્તી ધર્મના લોકોની વિચારસરણી સમાન છે. અમુક પાદરીઓએ રાજ્યમાં મુસ્લિમો પર લવ જેહાદ અને નાર્કોટિક્સ જેહાદનો પણ આરોપ મૂક્યો હતો.
થાલાસ્સેરી આર્કબિશપ જોસેફ પામ્પલાનીએ તમામ ચર્ચોમાં એક પત્ર મોકલ્યો હતો. તેમાં ચેતવણી અપાઈ હતી કે કેટલાક કટ્ટરપંથી જૂથો ખ્રિસ્તી છોકરીઓને ફસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ક્રિશ્ચિયન એસોસિયેશન અને એલાયન્સ ફોર સોશિયલ એક્શન(કાસા)એ એપ્રિલમાં આયોજિત હિન્દુ મહાસભામાં લવ જેહાદ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો.