રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં હાલ ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે વીજળી ગુલ થવા સહિતની ફરિયાદોનું પ્રમાણ પણ વધ્યું છે, પરંતુ પીજીવીસીએલમાં હાલ થાંભલાની, વીજલાઈનની ફરિયાદો નિવારવા માટે ટાવર લેડરની અછત પ્રવર્તી રહી છે. હાલ દરેક સબ ડિવિઝનમાં માત્ર એક જ ટાવર લેડર છે. કેટલાક સબ ડિવિઝનમાં એ પણ ખખડધજ સ્થિતિમાં છે ત્યારે ચોમાસાની ઋતુમાં જ્યારે સૌથી વધુ ફરિયાદો આવતી હોય છે. વીજકર્મચારીઓને સૌથી વધુ કામ થાંભલા ઉપર ચઢીને કરવાનું હોય છે જેના માટે આ ટાવર લેડર ઉપયોગી અને ઝડપી નીવડે છે, પરંતુ હાલ તેની અછત હોવાને કારણે ગ્રાહકોની ફરિયાદો નિવારવામાં પણ વિલંબ થઇ રહ્યો હોવાની સ્થિતિ સર્જાઈ છે. ક્યારેક તો પીજીવીસીએલના સબ ડિવિઝનની ટાવર લેડર ઉપલબ્ધ ન હોય કે ખરાબ થઇ ગઈ હોય તો કોર્પોરેશનના રોશની વિભાગ પાસેથી માગવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.