બે દિવસ પહેલા જ એક્સિસ બેંકમાં નાણા જમા કરાવવા આવેલા ધારક પાસેથી રૂ.500ના દરની 26 ચલણી નોટ નકલી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. ત્યાં વધુ એક વખત રૂ.500ના દરની બોગસ ચલણી નોટ ભરણામાં આવતા મામલો પોલીસમાં પહોંચ્યો છે.
રાજકોટ નાગરિક સહકારી બેંકની કેવડાવાડી બ્રાંચના મેનેજર નિરજભાઇ હરકિશનભાઇ વૈઠાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત તા.31ની બપોરે પોતે બેંક પર હતા ત્યારે કેશિયર હાર્દિકભાઇ પોતાની પાસે આવ્યા હતા અને પટેલ મેન્યુફેક્ચર નામની કંપનીના કરંટ એકાઉન્ટમાં પેઢીનો કર્મચારી દેવાંગ જે.કામલિયા રૂ.5.02 લાખ જમા કરાવવા આવ્યા છે. જેમાં રૂ.500ના દરની કુલ 1004 નોટ છે.
જે પૈકી 29 નોટ નકલી હોવાની વાત કરી હતી. જેથી પટેલ મેન્યુફેક્ચર કંપનીના નામથી કરંટ એકાઉન્ટ ધરાવતા નિલેશભાઇ મનસુખભાઇ ભાલાળાને આ અંગે જાણ કરી હતી. ત્યારે તેમને દેવાંગ કામલિયા તેમનો જ કર્મચારી છે અને પોતે બહારગામ હોય નાણા જમા કરાવવા તેને મોકલ્યો હોવાની વાત કરી હતી.