UPSC (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા રવિવારે રાજકોટના 14 જેટલાં કેન્દ્રોમાં યુપીએસસીની પ્રિલિમ્સ પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં રાજકોટમાં 3636 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. સિવિલ સર્વિસિસના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે રવિવારનું પેપર છેલ્લા 12 વર્ષનું સૌથી અઘરું પેપર નીકળ્યું હતું. સવારે 9.30થી 11.30 કલાક દરમિયાન પ્રથમ સેશનમાં લેવાયેલા જનરલ સ્ટડિઝનું પેપર અઘરું નીકળતા વિદ્યાર્થીઓને વિચારતા કરી દીધા હતા. જનરલ સ્ટડિઝના પેપરમાં સૌથી વધુ ઈકોનોમી અને પર્યાવરણના પ્રશ્નો પુછાયા હતા.
બપોરે 2.30 થી 4.30 કલાક દરમિયાન લેવાયેલા બીજા સેશનના પેપરમાં ગણિત અને રિઝનિંગના પ્રશ્નો પુછાયા હતા જે ટફ ટુ મીડિયમ લેવલના હોવાનું જાણવા મળ્યું છે. ગયા વર્ષે યુપીએસસીની પ્રિલિમ્સ પરીક્ષાનું મેરિટ 88 રહ્યું હતું પરંતુ આ વર્ષે રવિવારનું પેપર અઘરું હોવાને કારણે આ વખતે મેરિટ 88 કરતા પણ નીચું રહેવાનું સંભાવના હોવાનું નિષ્ણાતો જણાવે છે. પરીક્ષામાં ડિજિટલ વોચ, બ્લુટૂથ સહિતના ઉપકરણો પર પાબંધી રાખવામાં આવી હતી. સ્ટાફે પણ આઈકાર્ડ પહેરવાનું ફરજિયાત કરાયું હતું. સુપરવાઇઝરોને પણ પરીક્ષાખંડમાં મોબાઈલ ફોન લઇ જવાની મનાઈ ફરમાવી હતી.