સ્પાઈસ જેટની જયપુરથી અમદાવાદ આવેલી ફલાઈટના પેસેન્જરોએ વિચિત્ર પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટ શનિવારે સવારે લેન્ડ થયા બાદ વિમાનનો મુખ્ય દરવાજો ન ખૂલતા કેપ્ટન સહિત 76 પેસેન્જરો ફ્લાઈટમાં પૂરાઇ ગયા હતા. એરલાઈનના ટેક્નિશિયનોએ જહેમત બાદ મેન્યુઅલી દરવાજો ખોલવો પડ્યો હતો. ફલાઈટનો મુખ્ય દરવાજો ન ખુલવાની ઘટના ભાગ્યે જ બનતી હોય છે.
ફ્લાઈટ સવારે 8 વાગે લેન્ડ થઇ ગઇ હતી. પેસેન્જરો સીટ પરથી ઉભા થઇને બહાર નીકળવા લાઈનમાં ગોઠવાઈ ગયા હતા. પરંતુ ફલાઈટનો ઓટોમેટિક ગેટ ખૂલ્યો જ નહીં. ક્રૂએ અનેક વખત પ્રયત્ન કર્યા પછી પણ દરવાજો ન ખૂલતા કેપ્ટનને જાણ કરાઈ હતી. ઘણી મથામણ પછી પણ દરવાજો ન ખૂલતા ગ્રાઉન્ડ સ્ટાફ તેમજ ટેકનિકલ ટીમને જાણ કરવામાં આવી હતી. ક્રૂએ એનાઉન્સમેન્ટ કરી તમામ પેસેન્જરોને સીટ પર બેસી રહેવા જણાવ્યંુ હતું, આમ ટેક્નિશિયનોએ બહારની બાજુથી સ્ક્રૂ ખોલી આખો દરવાજો બહાર કાઢવો પડ્યો હતો. જેમાં 45 મિનિટ ગઈ હતી. એરલાઇન બોમ્બાર્ડિયર Q-400 સિરીઝનું 89 સીટરનું એરક્રાફ્ટ ઓપરેટ કરતી હોવાથી પેસેન્જરોને ઉતરવા માટે એક જ ગેટ હોય છે, જેમાં ઇમરજન્સી ગેટ ન હોવાથી પેસેન્જરોએ ફ્લાઈટમાં જ પુરાઈ રહેવું પડ્યું હતું.