રાજકોટના રૈયા સર્કલ પાસે કર્મચારી સોસાયટીમાં શ્યામલરાજ એપાર્ટમેન્ટમાં રહેતા કર્તવીબેન ધર્મેશ ટોળિયા નામની પરિણીતાનું અમદાવાદના નવરંગપુરામાં આવેલી અદાણી એસ્ટેટ મેનેજમેન્ટ પ્રા.લિ. પેઢીએ સ્વપ્ન ચકનાચૂર કરી નાંખતા એડવોકેટ ગજેન્દ્ર જાની મારફતે રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં કન્ઝયુમર પ્રોટેક્શન એક્ટ હેઠળ ફરિયાદ કરી હતી.
2017માં પરિણીતાએ કરેલા ફ્લેટનું બુકિંગ કેન્સલ કરી નાંખતા રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ નોંધાવવાની ફરજ પડી હતી. ફોરમમાં ફરિયાદને પગલે પરિણીતાના પક્ષે રોકાયેલા એડવોકેટ જાનીએ કોઇ પણ બિલ્ડર કે કોન્ટ્રાક્ટર બુકિંગ સમયે પ્રોપર્ટીના 20 ટકાથી વધુની રકમ લઇ શકે નહિ. તેમ છતાં ઉપરોક્ત કંપનીએ ખોટી રીતે પરિણીતા પાસેથી 30 ટકા સુધીની રકમ વસૂલી છે. કંપનીએ બિલ્ડિંગ યુઝની મંજૂરી મેળવ્યા કે આપ્યા પહેલા જ માતબર રકમ ભરી જવાની ખોટી રીતે માગણી કરી હતી. બંને પક્ષની દલીલ, રજૂઆત સાંભળ્યા બાદ ફોરમના પ્રમુખ જજ કે.એમ.દવે, સભ્ય પી.એમ.પરીખે પરિણીતાના પક્ષે ચુકાદો આપી અદાણી એસ્ટેટ મેનેજમેન્ટને 12 ટકાના વ્યાજ સાથે રૂ.24.45 લાખની રકમ 30 દિવસમાં ચૂકવી આપવા હુકમ કર્યો છે.