ચીનનું અર્થતંત્ર ખાસ વળાંક પર છે. અહીં ઉંમરલાયક લોકોની વસતી વધી રહી છે. કોઇપણ અર્થતંત્ર માટે આ મોટો પડકાર છે, પરંતુ ચીનના મામલે એવું નથી. ત્યાં કોઇ યોગ શીખી રહ્યું છે. તો કોઇ આફ્રિકન ડ્રમ વગાડવાની તાલીમ લઇ રહ્યું છે. ચીનના મધ્યમવર્ગના વૃદ્ધોએ સક્રિય રહેવા માટેનો રસ્તો શોધી લીધો છે અને કંપનીઓ તેનો સંપૂર્ણ ફાયદો ઉઠાવી રહી છે.
વૃદ્ધો માટે ક્લાસ ચલાવતી કંપની મામા સનસેટની હેડ પેઇલિન કહે છે કે એજ્યુકેશન ઇન્ડસ્ટ્રી હવે સિલ્વર ઇકોનોમીમાં તબદિલ થઇ રહી છે. એપ્રિલ 2023માં શરૂઆત બાદથી અત્યાર સુધી ચીનની રાજધાનીમાં આ કંપનીના પાંચ સેન્ટર ખુલી ચૂક્યા છે. કન્સલટન્સી ફર્મ ફ્રૉસ્ટ એન્ડ સલિવનનું અનુમાન છે કે ચીનમાં વૃદ્ધોના ક્લાસનું માર્કેટ 2027 સુધીમાં 34% વધીને 120.9 અરબ યુઆન (અંદાજે 1.4 લાખ કરોડ રૂપિયા) થઇ જશે. 2022માં તે માત્ર 28 અરબ યુઆનનું જ હતું.
આગામી એક દાયકામાં ચીનમાં અંદાજે 30 કરોડ લોકો નિવૃત્તિની ઉંમરમાં પહોંચી જશે. તે અમેરિકાની સંપૂર્ણ વસતીને બરાબર છે. યૂરોમૉનિટર સંસ્થા અનુસાર વર્ષ 2040 સુધી એશિયા-પ્રશાંતના દેશોમાં 65 વર્ષથી વધુ ઉંમરના લોકોની અડધી વસતી ચીનમાં હશે. આ ચિંતાજનક છે કારણ કે કામ કરતા લોકોની સંખ્યા ઘટી રહી છે. તેની સીધી અસર ચીનની આર્થિક અને ઔદ્યોગિક પ્રગતિ પર થશે, પરંતુ અનેક રોકાણકારો વૃદ્ધ થતી વસતીને એક નવા અને તેજીથી ઉભરતા નવા માર્કેટના રૂપમાં જુએ છે.