રોકાણકારોનો ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ETFs) તરફ ઝોક વધ્યો છે, જેને અનિશ્ચિત સમય દરમિયાન સૌથી સેફ હેવન ગણવામાં આવે છે અને રોકાણકારોએ ઑક્ટોબરમાં તેમાં રૂ.841 કરોડનું રોકાણ કર્યું હતું, જે ગત મહિના દરમિયાન રૂ.175 કરોડ હતું. રોકાણ ઉપરાંત ગોલ્ડ ઇટીએફની એસેટ બેઝમાં પણ વધારો થયો છે તેવું એસોસિએશન ઑફ મ્ય્ચુયઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (Amfi)એ જણાવ્યું હતું.
તદુપરાંત, સોનાની કિંમતમાં ઘટાડો થવાને કારણે માંગમાં પણ રિકવરી જોવા મળવાને કારણે દિવાળી-ધનતેરસના આ પર્વ દરમિયાન ખરીદીનો ટ્રેન્ડ પણ જોવા મળી રહ્યો છે. મોર્નિંગસ્ટાર ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર ઇન્ડિયાના એનાલિસ્ટ અને મેનેજર મેલવિન સાનતરિતાએ જણાવ્યું હતું કે અત્યારે જોવા મળી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ, યુએસમાં વ્યાજદરોમાં સતત વધારાનો ડર, અપેક્ષા કરતાં હજુ પણ ઉચ્ચ ફુગાવો અને વૃદ્ધિદર પણ ઘટવા તરફ છે ત્યારે સેફ હેવન તરીકે સોનાની અપીલ આગળ યથાવત્ રહેશે.
બીજી તરફ, સોનાની કિંમતો તેના સર્વાધિક સ્તરેથી નીચે આવી ચૂકી છે જેને કારણે પણ ખરીદીના સેન્ટિમેન્ટને વેગ મળ્યો છે. આ વર્ષે માર્ચ મહિના દરમિયાન તેની કિંમતમાં તેજી જોવા મળી હતી. ડેટા અનુસાર, ઓગસ્ટમાં તેમાં રૂ.1,028 કરોડનું રોકાણ જોવા મળ્યું હતું, જે છેલ્લા 16 મહિનામાં સર્વાધિક માસિક રોકાણ છે.