વડોદરાના હરણી તળાવમાં બાળકોના ડૂબી જવાના લીધે થયેલા મોત મામલે ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ માયીની ખંડપીઠે વડોદરા મ્યુનિ. અને કમિશનરનો ઉધડો લીધો છે. ખંડપીઠે વડોદરાના મ્યુનિ. કમિશનરને ડૂબી ગયેલા 12 બાળકોનાં મોત માટે જવાબદાર ઠેરવ્યા હતા. કમિશનરે રજૂ કરેલા સોગંદનામા સામે ખંડપીઠે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે જે સવાલોના ખુલાસા કરવા આદેશ કર્યો હતો કે, આ મુજબનું સોગંદનામું ન હોવાથી ફટકાર લગાવી હતી.
બોટિંગ માટે કાયદેસર પ્રક્રિયા અનુસર્યા વગર સામાન્ય કરાર કરીને કોટિયા પ્રોજેક્ટ્સને કોન્ટ્રાક્ટ આપી દેવાયો હતો. અર્બન હાઉસિંગ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરીને બે મહિનામાં તપાસ પૂર્ણ કરીને રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવા આદેશ કર્યો છે. કમિશનર સામે ખાતાકીય તપાસ કરવા પણ પ્રિન્સિપાલ સેક્રેટરીને આદેશ કરાયો છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી હરણી તળાવમાં બોટના કોન્ટ્રાક્ટ અંગે સોગંદનામંુ કરાયું હતું, જેનો અભ્યાસ કરતા ખંડપીઠે એવી ટકોર કરી હતી કે, સોગંદનામું જોતા એવંુ સ્પષ્ટ થાય છે કે હરણી બોટનો કોન્ટ્રાક્ટ આપવાની કાર્યવાહીમાં જે કોઈ અધિકારીઓ સામેલ હતા તે તમામને નોકરીમાંથી બરતરફ કરવા પડશે. ખંડપીઠે એવી ટકોર કરી હતી કે કોટિયા બ્રધર્સને કોઈ પ્રકારનો અનુભવ ન હોવા છતાં તેમને બોટિંગનો કોન્ટ્રાક્ટ કેમ આપવામાં આવ્યો? માત્ર થોડા રૂપિયામાં 33 વર્ષ માટે કોન્ટ્રાક્ટ કોટિયા પ્રોજેકટને આપી દેવા માટે કમિશનરથી લઈને વર્ગ-3ના અધિકારીઓ સંડોવાયેલા છે.