શહેરના લક્ષ્મીનગર વિસ્તારના યુવકે એસિડ પી જીવનનો અંત આણી લીધો હતો. લક્ષ્મીનગર આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતા જયદેવભાઇ વિનોદભાઇ ભટ્ટે (ઉ.વ.35) સોમવારે સવારે પોતાના ઘરે એસિડ પી લેતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. બનાવની જાણ થતાં માલવિયાનગર પોલીસ દોડી ગઇ હતી.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, જયદેવભાઇ ભંગારના ડેલામાં કામ કરતો હતો અને વૃદ્ધ પિતા સાથે રહેતો હતો. જયદેવભાઇને ટીબીની બીમારી લાગુ પડી હતી. બીમારીથી કંટાળી તેણે અંતિમ પગલું ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.