જમ્મુ-કાશ્મીરમાં મુસાફરો માટે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે પર ટ્રાવેલ કરવું આફત બની રહ્યું છે, કેમ કે આ હાઇવે ફોર લેન કરવાનું કામ ચાલી રહ્યું છે પરંતુ ભૂસ્ખલન જેવી ઘટનાઓ, ટ્રાફિકના મિસમેનેજમેન્ટ અને વાહનચાલકો દ્વારા નિયમોના ભંગને કારણે ટ્રાવેલિંગ મુશ્કેલ બની ગયું છે. આવી જ મુશ્કેલીઓનો સામનો કરનારા જાવેદ અહેમદે જણાવ્યું કે તેઓ શ્રીનગરથી બુધવારે સવારે 7 વાગ્યે નીકળ્યા હતા. 25 કલાક ટ્રાવેલ કર્યા બાદ ગુરુવારે સવારે 8 વાગ્યે જમ્મુ પહોંચ્યા. તેમણે કહ્યું, હું તો એકલો હોવાથી ઝાઝી તકલીફ ન પડી પણ મારી આગળ એક ફેમિલી બાય કાર કોઇ સંબંધીની ખબર કાઢવા પીજીઆઇ, ચંદીગઢ જતું હતું.
અન્ય વાહનોમાં મહિલાઓ અને બાળકો પણ હતાં, જેમને સંભાળવાનું મુશ્કેલ બની રહ્યું હતું. ટ્રાવેલિંગ દરમિયાન 300થી વધુ વખત કાર બંધ પડી. ટ્રાફિકજામના સૌથી મોટા કારણ ટ્રાફિક પોલીસ ન હોવું અને રોંગ સાઇડમાં ડ્રાઇવિંગ છે. સવારે 11:30 વાગ્યે રામબનની સરહદમાં પહોંચ્યા અને તે પછીના 10 કિ.મી.ના ટ્રાવેલમાં 8 કલાક લાગ્યા. રસ્તાનું કામ ચાલતું હોવાથી જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે 3 વાગ્યાથી 7 વાગ્યા સુધી વાહનવ્યવહાર માટે બંધ રહે છે.