રાજકોટમાં કેન્દ્રીય GST વિભાગ (CGST) દ્વારા મોટા પાયે બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. રૂ.300 કરોડથી વધુના બોગસ ઇન્વોઇસ બનાવી સરકારને રૂ.54 કરોડથી વધુની GST ચોરીનો ભારે ફટકો મારનાર ત્રણ શખ્સને CGSTની ટીમે ઝડપી લીધા છે.
આ કૌભાંડ ભગવતીપરા વિસ્તારમાં આવેલી મહાદેવ એન્ટરપ્રાઇઝ તેમજ મોરબી રોડ પર આવેલી મા એન્ટરપ્રાઇઝના નામે પેઢીઓ ખોલી આચરવામાં આવ્યું હોવાની વિગતો પ્રાથમિક તપાસમાં બહાર આવી છે.
આ કૌભાંડમાં હજુ વધુ 15થી 20 જેટલી કંપનીઓ અને પેઢીઓની સંડોવણી ખૂલવાની શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી છે અને આગામી દિવસોમાં વધુ કૌભાંડીઓની ધરપકડ થશે તેવો અંદાજ વ્યક્ત કર્યો છે.
સીજીએસટીના પ્રિવેન્ટિવ વિભાગના સૂત્રોએ માહિતી આપી જણાવ્યું હતું કે, રાજકોટની બે પેઢી આઇટીસી (ઇનપુટ ટેક્સ ક્રેડિટ)નો લાભ લેવા માટે બોગસ બિલિંગ કૌભાંડ આચરતી હોવાની હકીકત ડેટા એનાલિસિસ દરમિયાન ધ્યાનમાં આવ્યું હતું. આથી આ બાબતે તપાસ કરતાં ભગવતીપરામાં રહેતો અજય લીખિયા, મોરબી રોડ પર રહેતો વિશાલ મુલિયા ઉર્ફે સાગર અને જીલ અમલાણી આ કૌભાંડ આચરતા હોવાનું ખૂલતા ત્રણેયની ધરપકડ કરી લેવામાં આવી છે.
આ કૌભાંડીઓ સાથે મળીને સિમેન્ટ અને લોખંડના નામે મોટા પ્રમાણમાં ફેક ઇન્વૉઇસ તૈયાર કરતા હતા અને આ ઇન્વૉઇસના આધારે બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) પાસ કરી સરકારને રૂ.54 કરોડથી વધુનું નુકસાન પહોંચાડ્યાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે.
વિશેષ તપાસમાં એવી હકીકત બહાર આવી હતી કે, આ પેઢીઓ દ્વારા હકીકતમાં કોઈ માલની ખરીદ-વેચાણ કરવામાં આવી ન હતી, માત્ર કાગળ પર વ્યવહારો દર્શાવી ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. બોગસ બિલિંગ દ્વારા અનેક કંપનીઓ અને એજન્સીઓને ખોટો ટેક્સ લાભ અપાવવામાં આવ્યો હોવાની CGSTને મજબૂત શંકા છે.