ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઇઝરાયલમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. દારૂ, બિયર અને વાઇન જેવી નશીલા પદાર્થોના વેચાણમાં જબરદસ્ત વધારો થયો છે.
આ સિવાય કૂકીઝના વેચાણમાં 50% અને બેકરી ઉત્પાદનોના વેચાણમાં પણ 33%નો વધારો થયો છે. માગ અને વેચાણ સંબંધિત આ ડેટા 'જેરુસલેમ પોસ્ટ' દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા છે. અખબારે આ ડેટા ઇઝરાયલની પ્રખ્યાત ફૂડ ડિલિવરી કંપની યાંગો ડેલી પાસેથી લીધો છે.
રિપોર્ટ અનુસાર વાઇનની માગ સૌથી વધુ વધી છે અને તેના કારણે વેચાણ બમણું થયું છે. સરળ રીતે સમજો કે વાઇનના વેચાણમાં 100% વધારો થયો છે. બીયરના વેચાણમાં 40%નો વધારો થયો છે.
દારૂ ઉપરાંત બેકરીની વસ્તુઓ અને નાસ્તાના વેચાણમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. કૂકીઝ ઉત્પાદનોના વેચાણમાં 50% નો વધારો થયો છે. આ સિવાય બેકરી વસ્તુઓના વેચાણમાં 33%નો વધારો થયો છે.
આ તમામ બાબતો ઉપરાંત અન્ય કેટલીક પ્રોડક્ટ્સનું વેચાણ પણ વધ્યું છે. રિપોર્ટ અનુસાર સોડા અને એનર્જી ડ્રિંક્સની માગ વધી છે. બામ્બા, પોટેટો ચિપ્સ અને કાકડી મિક્સ જેવા લોકપ્રિય નાસ્તાના વેચાણમાં દસ ટકાથી વધુનો વધારો થયો છે.
જો કે, સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા ઘરગથ્થુ ઉત્પાદનો જેમ કે દૂધ, ઇંડા, ચીઝ, ચોકલેટ દૂધ અને કાગળના ટુવાલની માગ પણ વધી છે. 7 ઓક્ટોબરે યુદ્ધ શરૂ થતાંની સાથે જ પાણીની બોટલોના વેચાણમાં 1500%નો વધારો નોંધાયો હતો. જો કે, જેમ જેમ યુદ્ધ આગળ વધતું ગયું તેમ તેમ તેની માગમાં ઘટાડો થયો.