હિંદુ કેલેન્ડર પ્રમાણે કારતક મહિનાના સુદ પક્ષની અગિયારસે દેવઊઠી અગિયારસનો વિશેષ દિવસ છે. આ દિવસે સૂર્યોદય પહેલા બ્રહ્મ મુહૂર્તમાં શંખ ફૂંકીને ભગવાન વિષ્ણુને જાગૃત કરવામાં આવશે. દિવસભર ભગવાનની મહાપૂજા અને આરાધના થશે. સાંજે ભગવાન વિષ્ણુના શાલિગ્રામ સ્વરૂપમાં તુલસીવિવાહ થશે અને દીવાનું દાન કરવામાં આવશે. રાજકોટમાં 10થી વધુ મોટા મંદિરો સહિત 100થી વધુ સ્થળે તુલસીવિવાહનું આયોજન કરવામાં આવ્યું હોવું જાણવા મળ્યું છે. માન્યતાઓ અનુસાર, 4 મહિનાની યોગનિદ્રા પછી આ તિથિએ ભગવાન વિષ્ણુ ઊંઘમાંથી જાગી જાય છે અને સૃષ્ટિનું નિયંત્રણ પોતાના હાથમાં લે છે.
દેવઊઠી એકાદશીએ શેરડીનો મંડપ સજાવીને તેમાં ભગવાન વિષ્ણુની પ્રતિમા સ્થાપિત કરી પૂજન કરવામાં આવે છે. એકાદશીએ લગ્ન સહિત બધા માંગલિક કાર્યોની પણ શરૂઆત થઈ જશે. ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી સાથે તુલસીપૂજા કરવાનું પણ વિધાન છે. દેવઊઠી એકાદશી બાદ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં લગ્નસરાની સિઝન પણ ખીલશે.