શહેરમાં વારસાઇ મિલકતમાં મળેલું મકાન-દુકાન સગા ભાઇ-ભત્રીજાએ પચાવી પાડ્યાની વૃદ્ધે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પેડક રોડ, પટેલપાર્ક-3માં બાળપીરની દરગાહમાં રહેતા અને ત્યાં સેવા-પૂજા કરતા ઇકબાલભાઇ હબીબભાઇ મેતર નામના વૃદ્ધે રણછોડનગર-3માં રહેતા સગા નાનાભાઇ રફીક અને તેના પુત્ર અકીબ સામે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
વૃદ્ધની ફરિયાદ મુજબ, સદગુરુ રણછોડનગર-3 આડા પેડક રોડ પર માતા હુરબાઇબેનના નામની મિલકત આવેલી છે. જે મિલકત માતાએ રજિસ્ટર બક્ષીસથી પોતાના અને નાના ભાઇ રફીકના નામે કરી આપી હતી. દરમિયાન નાનો ભાઇ રફીક 2019થી પોતાને તું આ દુકાન અને મકાન ખાલી કરીને જતા રહો તેમ કહી અવારનવાર ઝઘડાઓ કરતો હતો. જેથી પોતે પાનનો ધંધો બંધ કરી મકાનને તેમજ દુકાનને તાળાં મારી પરત બાળપીરની દરગાહમાં રહેવા જતા રહ્યાં હતા. ત્યારે બંધ મકાનના તેમજ દુકાનના તા.18-5-2019ના તાળાં તોડી નાના ભાઇ રફીક અને તેના પુત્ર અકીબે કપડાંની દુકાન ચાલુ કરી હતી. નાના ભાઇએ જ પોતાને વારસાઇમાં મળેલું મકાન તેમજ દુકાનના તાળાં તોડી નાંખી પચાવી પાડ્યાની ખબર પડતા તેમને અનેક વખત મકાન અને દુકાન પરત કરી દેવા જણાવ્યું હતું. છતાં પરત ન કરતા લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાવી છે.