રાજકોટ શહેરમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. શહેરના જંગલેશ્વર વિસ્તારમાં વોકડા નજીક રખડતા પાંચથી સાત શ્વાને ચાર વર્ષની માસુમ બાળકી ઉપર હુમલો કરી મોતને ઘાટ ઉતારી છે. હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, અનેક રજૂઆત છતાં વોકળાની સફાઈ અને શ્વાનના આતંક અંગે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
શ્વાનનો 4 વર્ષની માસુમ ઉપર હુમલો
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં આજે સાંજના 7.30 વાગ્યાની આસપાસ પરપ્રાંતીય પરિવારની ચાર વર્ષની માસુમ બાળકી પોતાના ઘર નજીક હતી. ત્યારે અચાનક 5થી 7 શ્વાનનું ટોળું તેની પાછળ આવી અચાનક હુમલો કરી ફાડી ખાધી હતી. જેને લઇને પરપ્રાંતીય પરિવારની ચાર વર્ષની માસુમ બાળકી મુન્ની સલીમભાઈ સૈયદનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટના અંગે જાણ થતા આસપાસના લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું અને પોલીસને જાણ કરવામાં આવતા ભક્તિનગર પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
પોલીસે સ્થળ પર પહોંચી આસપાસના લોકોની પૂછપરછ કરી ઘટના અંગે માહિતી એકત્રીત કરી હતી. બાદમાં બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી. સલીમભાઈ સૈયદ પરિવાર સાથે રાજકોટમાં આવી મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. સંતાનમાં એક દીકરી અને એક દીકરો હતો. જેનું આજે શ્વાન દ્વારા ફાડી ખાવામાં આવતા માસુમનું મોત નિપજતાં પરિવારમાં ઘેરા શોકની લાગણી છવાઈ જવા પામી છે.