વિશેષ કરાર હેઠળ માત્ર કોલસા આધારિત ચાલતા પાવર પ્લાન્ટ બંધ કરવા અને ઓઈલ-ગેસની આયાત ઘટાડવા માટે ચીન પવન અને સૌર ઊર્જા વિકસાવવા માટે જંગી નાણાં ખર્ચી રહ્યું છે. આ સાથે ચીનનું સૌથી મોટું ધ્યાન પરમાણુ ઊર્જા પર પણ છે. સંયુક્ત રાષ્ટ્રની એજન્સી ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીએ પોતાના રિપોર્ટમાં ખુલાસો કર્યો છે કે ચીને છેલ્લા એક દાયકામાં 37 નવા પરમાણુ રિએક્ટર બનાવ્યા છે. સંખ્યા 55 પર પહોંચી ગઈ છે.
બીજી તરફ, અમેરિકાએ છેલ્લાં 10 વર્ષમાં ફક્ત 2 નવા પરમાણુ રિએક્ટર બનાવ્યાં છે. તેની પાસે વિશ્વમાં સૌથી વધુ 92 રિએક્ટર છે. ભારતમાં હાલમાં 22 પરમાણુ પ્લાન્ટ છે, જેમાંથી માત્ર 2 છેલ્લાં 10 વર્ષમાં બનાવાયા હતા. ચીન દર વર્ષે 8 નવા પરમાણુ રિએક્ટર બનાવવાની તૈયારી કરી રહ્યું છે. ચીને કહ્યું, દર વર્ષે 8થી 10 નવા રિએક્ટર સ્થાપિત કરી શકીએ છીએ.
ચીનમાં સસ્તી લોનને લીધે રિએક્ટર બનાવવા ખૂબ જ સરળ
પશ્ચિમી દેશોમાં નવા રિએક્ટર બનાવવા સરળ નથી. જંગી રોકાણ અને કાયદાકીય અડચણોને કારણે રિએક્ટરને બનાવવામાં ઘણાં વર્ષો લાગે છે. ચીનમાં રિએક્ટર બનાવવું ખૂબ જ સરળ છે. ત્યાં માત્ર સરકારી કંપનીઓ જ પરમાણુ રિએક્ટર બનાવે છે. સસ્તી લોન ઉપરાંત, ચીનમાં જમીન પરવાનામાં કોઈ અવરોધો નથી. ચીનમાં સરકાર પરમાણુ પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતી વીજળીનો સપ્લાય કરતી કંપનીઓને સબસિડી પણ આપે છે. ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીનું કહેવું છે કે આ તમામ કારણોસર ન્યુક્લિયર એનર્જીનો ખર્ચ ઘટીને લગભગ રૂ. 5,836 પ્રતિ મેગાવોટ કલાક પર આવી ગયો છે, જ્યારે અમેરિકામાં રૂ. 8,754 અને યુરોપિયન યુનિયનમાં રૂ. 13,339 હતો.