ગણેશ મહોત્સવના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે સાર્વજનીક પંડાલોમાં ગણેશજીની મૂર્તિ કેટલી ઉંચાઇની સ્થાપી શકાય તે અંગે જાહેરનામું પ્રસિઘ્ધ કરવામાં આવ્યું છે. રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર દ્વારા પ્રસિઘ્ધ કરાયેલા જાહેરનામામાં ગણેશ મહોત્સવમાં વધુમાં વધુ નવ ફુટની ઉંચાઇની મૂર્તિ સ્થાપી શકાશે જયારે પીઓપીની મૂર્તિ બનાવવા કે વહેંચવા સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
ગણેશ મહોત્સવને લઈને જાહેરનામું
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ દ્વારા આજે ગણેશ મહોત્સવનું આયોજન કરતા આયોજકો સાથે એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં જરૂરી મુદ્દાઓની ચર્ચા કરી માર્ગદર્શન આપી સારી રીતે લોકો મહોત્સવ ઉજવણી કરી શકે તે માટે આયોજન કરવા સૂચન કર્યું હતું. આયોજકો સાથે બેઠક યોજ્યા બાદ પોલીસ કમિશનર દ્વારા ખાસ ગણેશ મહોત્સવને લઈ જાહેરનામુ પ્રસિઘ્ધ કરી દેવામાં આવ્યું છે. જેમાં શહેરમાં સાર્વજનીક ગણેશ મહોત્સવના પંડાલમાં દુંદાળા દેવની 9 ફુટથી ઉંચી મૂર્તિ રાખી શકાશે નહીં. તદઉપરાંત પીઓપી મૂર્તિ બનાવવા તેમજ વેચાણ ઉપર પણ મનાઈ ફરમાવવામાં આવી જે અંગે પણ જાહેરનામામાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.