મુંબઈ ઈન્ડિયન્સે રવિવારે રોમાંચક મુકાબલામાં દિલ્હી કેપિટલ્સને 12 રને હરાવ્યું. 19મી ઓવરમાં મુંબઈએ દિલ્હીના 3 બેટર્સને સતત બોલ પર રનઆઉટ કર્યા અને મેચ જીતી લીધી. આ ઓવરમાં આશુતોષ શર્મા, કુલદીપ યાદવ અને મોહિત શર્મા આઉટ થયા.
રવિવારે અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હીએ બોલિંગ પસંદ કરી. મુંબઈએ 5 વિકેટ ગુમાવીને 205 રન બનાવ્યા. તિલક વર્માએ ફિફ્ટી ફટકારી. જવાબમાં દિલ્હી કેપિટલ્સ 19 ઓવરમાં 193 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. કરુણ નાયરે 40 બોલમાં 89 રન બનાવ્યા. કર્ણ શર્માને 3 વિકેટ મળી.
દિલ્હી કેપિટલ્સને 12 બોલમાં 23 રન જોઈતા હતા. અહીં જસપ્રીત બુમરાહ બોલિંગ કરવા આવ્યો. આશુતોષ શર્માએ બુમરાહ સામે શરૂઆતના 3 બોલમાં 2 ચોગ્ગા ફટકારી દીધા. ચોથા બોલ પર આશુતોષ બીજો રન લેવાના પ્રયાસમાં રન આઉટ થઈ ગયો.
પાંચમા બોલ પર કુલદીપ યાદવે 2 રન લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે પણ રન આઉટ થઈ ગયો. છેલ્લા બોલ પર મોહિત શર્માએ સિંગલ લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે મિચેલ સેન્ટનરના ડાયરેક્ટ હિટથી રન આઉટ થઈ ગયો.
19મી ઓવરમાં દિલ્હીએ 10 રન બનાવ્યા, પરંતુ ટીમ 12 રનના નજીકના અંતરથી હારી ગઈ. મુંબઈ તરફથી કર્ણ શર્માએ 3 અને મિચેલ સેન્ટનરે 2 વિકેટ લીધી.