ઇપીએફઓમાં નાણાકીય વર્ષ 2023 દરમિયના મહિલા સબસ્ક્રાઇબર્સની સંખ્યામાં વધારો થયો છે. નાણાકીય વર્ષ 2023 દરમિયાન EPFOમાં મહિલા સબસ્ક્રાઇબર્સની સંખ્યા વધીને 28,69,688 થઇ ચૂકી છે જે વર્ષ 2019-20 દરમિયાન 15,93,614 નોંધાઇ હતી.
એમ્પ્લોઇ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO)ના સબસ્ક્રિપ્શનમાં ઉમેરો રોજગારી સર્જનમાં વૃદ્ધિ, જોબ માર્કેટના ઔપચારિકીકરણ અને સંગઠિત તેમજ અસંગઠિત ક્ષેત્રના કામદાર વર્ગ માટે સામાજિક સુરક્ષા માટેના વ્યાપક કવરેજનું સૂચક છે તેવું રાજ્યકક્ષાના શ્રમ અને રોજગાર મંત્રી રામેશ્વર તેલીએ જણાવ્યું હતું.
EPFO ડેટા મધ્યમ અને મોટી કંપનીઓમાં ઓછું વેતન મેળવતા કામદાર વર્ગને કવર કરે છે. વર્ષ 2020-21 દરમિયાન EPFO સબસ્ક્રાઇબર્સમાં ઉમેરો 13,98,080 સબસ્ક્રાઇબર્સ હતો અને વર્ષ 2021-22માં તે 26,18,728 હતો. 15 વર્ષ અને તેનાથી વધુ ઉંમરની મહિલાઓમાં બેરોજગારી દર ઘટીને 2.9% રહ્યો હતો. જે વર્ષ 2019-20 દરમિયાન 4.2% રહ્યો હતો. તે વર્ષ 2020-21 દરમિયાન 3.5% અને 2021-22 દરમિયાન 3.3% હતો.