શહેરમાં જામનગર રોડ પર વોરા સોસાયટી પાસે ટ્રાન્સપોર્ટની ઓફિસમાંથી તિજોરી ખોલી તસ્કરો રૂ.8.39 લાખની રોકડની ચોરી કરી ગયાની મેનેજરે ફરિયાદ કરતા ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી તપાસ કરતા ચાવી અને પાસવર્ડ નાખ્યા બાદ તિજોરી ખૂલતી હોય જાણભેદુ હોવાની શંકાએ કર્મચારીઓની પૂછતાછ કરી ચોરીનો ભેદ ઉકેલાતા પોલીસે એકને સકંજામાં લઇને ચોરાઉ રોકડ કબજે કરવા કાર્યવાહી કરી તેની ધરપકડ બાદ વધુ કોઇની સંડોવણી છે કે કેમ તે અંગે પૂછતાછ કરવાની કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ માધાપર ચોકડી પાસે શેઠનગર પાસે વર્ધમાન કોમ્પ્લેક્સમાં રહેતા અને માધાપર ચોકડી પાસે વોરા સોસાયટી નજીક મુરલીધર ટ્રાન્સપોર્ટમાં મેનેજર તરીકે નોકરી કરતા પ્રકાશભાઇ ચંદુભાઇ જોગિયાએ ફરિયાદ કરી હતી. જેમાં તેને જણાવ્યું હતું કે, તા.11ના રોજ રાત્રીના તેનું કામ કરી ઘેર નીકળી ગયો હતો. બાદમાં રાત્રીના સુપરવાઇઝર દીપભાઇએ ઓફિસ લોક કરી હતી. દરમિયાન સવારે ઓફિસે જતો હતો ત્યારે રસ્તામાં એમેઝોનના એમ્પ્લોઇઝ જીતુભાઇનો ફોન આવ્યો હતો અને મને કહ્યું કે, બેંકવાળા રૂપિયા લેવા આવ્યા છે અને તિજોરીમાં રૂપિયા નથી. તમે કોઇને રૂપિયા આપ્યા છે, જેથી તેને ના પાડી હતી અને ઓફિસે પહોંચી તપાસ કરતા તિજોરીમાં કોઇ નુકસાન ન હોય અને તિજોરીમાંથી રૂ.8.39 લાખની રોકડ પણ ગાયબ હોય તેમજ અા તિજોરીમાં ચાવી અને પાસવર્ડ નાખ્યા બાદ તિજોરી ખૂલતી હોવા છતાં કોણ આ ચોરી કરી ગયું. બનાવની માલિક હરેશભાઇ ડાંગરને જાણ કરતા તે પણ ઓફિસે આવી ગયા હોય અને પોલીસમાં જાણ કરી હોવાનું જણાવતા પીએસઆઇ ગોહેલ સહિતના સ્ટાફે શંકાસ્પદ કર્મચારીઅોની પૂછતાછ કરતા એક કર્મચારીએ ચોરી કર્યાની કબૂલાત આપતા પોલીસે તેની અટકાયત કરી તેની પાસેથી ચોરાઉ રોકડ કબજે કરવાની કાર્યવાહી કરી છે.