તાજેતરમાં અમેરિકામાં સર્જાયેલા બેન્કિંગ સંકટ દરમિયાન ઇન્ટરનેટ પર અનેક પ્રકારની અફવાઓ ફેલાઇ રહી હતી. અનેક લોકો તેને રશિયન અથવા ચીનનું ષડયંત્ર ગણાવી રહ્યા હતા જ્યારે કેટલાકના મતે અમેરિકામાં સત્તા પલટા માટે વિપક્ષનો પ્રયાસ ગણાવ્યો હતો. કંપનીઓ અને સંસ્થાઓ વિરુદ્ધ આ પ્રકારની ખોટી અને ભ્રામક જાણકારીઓ અંગે તપાસ કરવા અને રોકવાનું કામ આજકાલ ઑનલાઇન ડિસ-ઇન્ફોર્મેશન ડિટેક્ટિવ એટલે કે ભ્રામક જાણકારીઓ રોકતા જાસૂસ કરે છે. સાયબર સિક્યોરિટીથી જોડાયેલો આ કારોબાર વ્યાપકપણે વધી રહ્યો છે.
અમેરિકામાં એન્ટિ-ડિસઇન્ફોર્મેશન સ્ટાર્ટઅપ્સની સંખ્યા વધી રહી છે. તે પ્રતિષ્ઠિત કંપનીઓ, બેન્ક, સામાજિક સંસ્થાઓ અને સરકાર ઉપરાંત તે મશહૂર હસ્તીઓ માટે પણ કામ કરે છે જે પોતાની વિરુદ્ધ ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર ખોટી, બનાવટી, ભ્રામક જાણકારીને ફેલાતા રોકવા માંગે છે.
ડેટા કંપની પિચબૉક્સ અનુસાર, 2018 થી 2022ની વચ્ચે 5 વર્ષમાં વેન્ચર કેપિટલ કંપનીઓ તેમજ ખાનગી રોકાણકારોએ આ પ્રકારના સ્ટાર્ટઅપ્સમાં રૂ.2,450 કરોડથી વધુનું રોકાણ કર્યું છે. ગત વર્ષે જ ટેક દિગ્ગજ માઇક્રોસોફ્ટે કાઉન્ટર એક્સટ્રીમિસ્ટ રિસર્ચર ક્લિન્ટ વોટ્સની કંપની મિબુરોને ખરીદી હતી. સ્પોટીફાયે પણ આ પ્રકારની એક વધુ કંપની કિનજેનની ખરીદી કરી હતી. એમેઝોને પણ લૉજિકલીમાં 197 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું જે ડિજિટલ હેટ સ્પીચ, વિદેશી પ્રોપેગેન્ડા અને સાયબર કૌભાંડોને ટ્રેક કરે છે.